Friday June 20, 2025

દ્વારકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ. 14.74 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ

– અદ્યતન બિલ્ડિંગમાં અનેકવિધ સુવિધાઓ –

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫

     દ્વારકાના રૂ. 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ દ્વારકા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.

      આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ આઈ.ટી.આઈ. માં પણ નવા કોર્ષનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે. આજે 154 થી વધુ કોર્ષ રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ.માં ચાલે છે. વિકસિત ભારત 2047 ની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્ષની જરૂરિયાત જણાશે એ દિશામાં ટેકનોલોજી સાથેના કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે સોલર, ડ્રોન રીપેરિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ કોર્ષ ઉર્જા વિભાગના છે. તાલીમની સાથે જ યુવાઓ રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

        આ પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે, ગુજરાત રાજ્યે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. ગુજરાતનો વિકાસ આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. જેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને જન સુખાકારીના કલ્યાણ માટે લીધેલા નિર્ણયોને આભારી છે. દેશના યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં થાય તે માટે મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી યુવાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે.

      21 મી સદીમાં આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી યુવાઓનું કૌશલ્ય નિર્માણ થાય તેવા તમામ પ્રયાસો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમો આપી રોજગારી તથા ઉત્તમ કારકિર્દી ઘડવામાં ઔધોગિક તાલીમ સંસ્થાઓનું અનેરું યોગદાન રહ્યું છે. દ્વારકામાં લોકાર્પણ કરવામાં આવેલ આઈ.ટી.આઈ.ના નવી બિલ્ડિંગથી અહીંયા શિક્ષણ મેળવતા યુવાઓનું ભવિષ્ય નિર્માણ ઉત્તમ બનશે તેમજ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે તેમ ધારાસભ્ય પબુભાએ ઉમેર્યું હતું.

       લોકાર્પણ કાર્યક્રમ નિમિતે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે.કે. હાથિયા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ દેવીસિંગભા હાથલ, મામલતદાર જે.એન. મહેતા, લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, સરજુભા માણેક, વિજય બુજડ સહિત પદાધિકારીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

        દ્વારકા ખાતે લોકાર્પણ પામેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ. 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં 17 કલાસ રૂમ, થિયરી રૂમ, 22 વર્કશોપ, ઓડિટોરિયમ, પ્લેસમેન્ટ કાઉન્સિલિંગ રૂમ, આઈ.ટી.લેબ, વહીવટી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટાફ રૂમ, લર્નિંગ લાયસન્સ ટેસ્ટ રૂમ, લાયબ્રેરી તથા કેન્ટિન સહિતની સુવિધા તથા અદ્યતન મશીનરીઓ ઉપલબ્ધ રહેશે. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top