Headlines

દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬

       દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

        આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહીશ વિજયસિંહ શ્રી સીયારામ (ઉ.વ. 44) એ દ્વારકા તાલુકાના કુરંગા ગામના પબા ખેતા સંધીયા નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી દ્વારા કુરંગા ગામના નવા સર્વે નંબર 471 ની 3-33-87 હેક્ટરની જમીન કે જે કંપનીની માલિકીની હોય, તે જગ્યામાં તેનો કોઈ હક્ક હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરી, તેના પર કાચું બાંધકામ કરીને અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો.

     અહીં તેણે તેના પરિવાર સાથે રહેવા આવી, અવારનવાર કહેવા છતાં કંપનીની માલિકીની જમીન ઉપર દબાણ ખાલી કર્યું ન હતું. જે અંગે દ્વારકા પોલીસે આરોપી પબા ખેતા સંધીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ) ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. 

_____________________________________________________________________________

ખંભાળિયામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

       ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાંથી પોલીસે ખેતા ઘેલા ધારાણી, મનોજ ભોજા સાખરા, કિશોર ઘેલા ગંઢ અને જીવા દેવીભાઈ જામ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. 6,100 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

_____________________________________________________________________________

સુદર્શન બ્રીજ પર ફોટા પાડવા બાબતે મામા -ભાણેજ ઉપર હુમલો: પાંચ સામે ફરિયાદ

      ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત ફૌજી શ્રવણભા હઠીયાભા માણેક નામના યુવાનના ભાણેજ નિર્મલ સુમણીયાને સુદર્શન બ્રિજ ઉપર ફોટા પાડવા બાબતે ઝઘડો કરી, આરોપી ભરત જગતિયા, સુનિલ જગતિયા, રામ માણેક, રાજ જગતિયા અને લખુભા જગતિયા નામના પાંચ શખ્સોએ ધાતુના કડા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા જો સુદર્શન બ્રિજ પર ફોટા પાડવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *