ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ૨૪ વર્ષીય યુવક મેહુલ મકાભાઈ પરમારે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મેહુલ ભાવનગરના એક ખાનગી યુનિટમાં કામ કરે છે. ગઈકાલ તારીખ ૨૫ના રોજ બપોર પછીના સમયે તે પોતાના ગામ નવા રતનપર આવ્યો હતો અને ગામના બસ સ્ટેશનની પાછળ જઈને ખેતીમાં વપરાતી કીડા મારવાની ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ નવા રતનપરના યુવા સરપંચ ગૌતમ બારૈયા પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે માનવતાના ધોરણે યુવકની ખબર-અંતર પૂછ્યા હતા અને ડોક્ટરોને જરૂરી સારવાર માટે ભલામણો કરી હતી.
સમયસર સારવાર મળી જવાને કારણે યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તેણે આ આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે હજુ જાણી શકાયું નથી. સરપંચની પૂછપરછ દરમિયાન પણ યુવક કોઈ સ્પષ્ટ કારણ જણાવી શક્યો ન હતો. હાલ આ મામલે ઘોઘા પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના નિવેદન બાદ જ સાચું કારણ બહાર આવશે.







