Headlines

પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ


પોરબંદર.તા.૦૪:

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો.

આજના સમયમાં સામાન્ય રીતે લગ્ન એટલે વૈભવ, દેખાડો અને મોજમસ્તી, પરંતુ રાજશીભાઇએ આ પ્રસંગને ‘ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’નુ પ્રચારનું મંચ બનાવી દીધું. લગ્ન મંડપ પાસે ઉભા કરાયેલા પ્રાકૃતિક ખેતીના સ્ટોલે માત્ર માહિતી જ નહીં, પરંતુ આશા પણ વહેંચી. લગ્નમાં ઉપસ્થિત મહેમાનો રાસાયણિક મુક્ત ખેતીના લાભો સમજતા જોવા મળ્યા—આ દૃશ્ય પોતે જ એક નવી શરૂઆતનું પ્રતીક હતું.

આ લગ્નની સૌથી અનોખી વાત એ હતી કે જમણવારમાં પીરસાયેલું દરેક ભોજન પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલું હતું. થાળીમાંથી ઉઠતો સ્વાદ માત્ર ભોજનનો નહોતો, પરંતુ “પ્રાકૃતિક ખેતીથી પ્રાકૃતિક આહાર”ના વિચારનો જીવંત અનુભવ હતો. અનેક મહેમાનોએ સ્વીકાર્યું કે લાંબા સમય પછી એમને સાચો, હળવો અને સ્વસ્થ આહાર મળ્યો.

આ પ્રસંગે રાજશીભાઇએ જણાવ્યુ હતુ કે, ખેતીની સાથો- સાથ ધરતી માતા અને ગાય માતાનુ જતન જરૂરી છે. ગાય, ગામડું અને ગાય આધારિત ખેતી બચશે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તેમનો વિશ્વાસ દ્રઢ હતો કે જો લોકો પ્રાકૃતિક આહાર, શુદ્ધ દૂધ-ઘી અને ગૌઆધારિત જીવનશૈલી અપનાવે, તો બીમારીઓ ઘટશે અને દવાખાનાઓની જરૂરિયાત આપોઆપ ઓછી થઈ જશે.

આ પ્રસંગે હાજર રહેલા ઉદ્યોગપતિ અને ગૌસેવક શ્રી ભરતભાઈ પરસાણાએ પણ રાજશીભાઇના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ધરતી અને ગાયને બચાવવાનો એકમાત્ર સાચો માર્ગ પ્રાકૃતિક ખેતી છે. જો દરેક ખેડૂત આવી જાગૃતિ દાખવે, તો ભારતને ફરી ‘સોને કી ચીડિયા’ બનતા કોઈ રોકી શકશે નહીં.

રાજશીભાઇની આ પહેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા ચાલતા ‘પ્રાકૃતિક ખેતી’ અભિયાનને જમીનીસ્તર પર મજબૂતી આપી રહી છે. સરકાર જ્યાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને તાલીમ અને ગાયના નિભાવ માટે સહાય આપી રહી છે, ત્યાં રાજશીભાઇ જેવા ખેડૂતો આ વિચારને ઘરઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ પ્રસંગે અનમોલ પ્રાકૃતિક ફાર્મના ખેડૂત લખમણભાઈ ઓડેદરા તેમજ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટન્ટ બાદલભાઈ કાનગડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેમિકલયુક્ત ખેતીના વધતા જોખમો વચ્ચે રાજશીભાઇએ પસંદ કરેલો આ માર્ગ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સંસ્કૃતિને બચાવવાનો એક દીવાદાંડી સમાન સંકલ્પ છે – જે એક લગ્ન પ્રસંગથી શરૂ થઈ આખા સમાજને ઉજાસ આપતો દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *