સતત એક મહિના સુધી માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.








◆ એક મહિના સુધીના કાર્યક્રમો :
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
◆ ટ્રાફિક પોલીસની વાહન રેલી આકર્ષણનું કેન્દ્ર:
ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો શૂસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
◆ મહાનુભાવોના ઉદબોધન :
માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબએ મીડીયા મારફતે લોકોને માર્ગ સલામતી માસ દરમ્યાન માર્ગ સલામતી અંગેના જુદા જુદા લોકજાગૃતિ કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવેલ હતુ. કલેકટર શ્રી એસ.ડી.ધાનાણી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા સાહેબ વગેરે અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનોમાં રોડ સેફટી બાબતે લોકજાગૃતિ લાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારીયા, પદુભાઈ રાયચુરા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સાથે જોડાઈને સૌની માર્ગ સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી. કારણ કે ટ્રાફિક અને રોડ સેફટીના પ્રશ્નોનું પોલિસ અને જનતાના સહિયારા પ્રયાસોથી નિરાકરણ આવશે. લોકો ટ્રાફીકના નિયમોને દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસની ઉજવણી કરી સાર્થક ગણાશે કેમ કે દરેક જગ્યાએ કાયદાથી કામ લેવું શક્ય નથી. ટ્રાફિક અને રોડ સેફટી એ ફરજના ભાગરૂપે અને આપણા પોતાની સલામતી માટે જાતે જ પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે.
આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદીજુદી જ્ઞાતિઓના આગેવાનો, પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આજે મિલન પાણખાણીયાએ કર્યું હતું. આભારવિધિ ટ્રાફિક પીઆઇ એમ.એલ.આહિરે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીઆઇ એમ.એલ.આહીર, પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા અને ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતિક લાખાણી અને જેસીઆઇના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



