Headlines

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ

​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬

​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને એલ.સી.બી.ની ટીમે ગાંધીનગરના કલોલ ખાતેથી ઝડપી પાડ્યા છે.

ગંભીર ગુનાઓની વિગત

પકડાયેલા આરોપીઓ સામે મુખ્યત્વે બે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા:

​૧. અપહરણ અને ખંડણી: હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદીની દીકરી પાસેથી ૭૦ લાખ રૂપિયા કઢાવવાનું કાવતરું રચ્યું હતું. આ માટે ફરિયાદીના જમાઈ અને સાળીનું અપહરણ કરી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના પૌત્રનું પણ રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને ૧૨ દિવસ સુધી ગોંધી રાખી, મારમારીને બળજબરીથી કોરા ચેક અને સોનાના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા.

​૨. કરોડોનું સાયબર ફ્રોડ: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અન્ય એક ગુનામાં આ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, બેંકના કર્મચારીઓને ભોળવીને ખોટા પ્રલોભનો આપી નિર્દોષ વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોના સાયબર ફ્રોડના નાણાં મેળવવા અને તે નાણાં સગેવગે કરવા માટે કરવામાં આવતો હતો.

ગાંધીનગરથી આ રીતે ઝડપાયા આરોપીઓ

જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શનમાં ટીમો કાર્યરત હતી. આ દરમિયાન એ.એસ.આઈ. રણજીતસિંહ દયાતર અને હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ તેમજ વિરેન્દ્રસિંહ પરમારને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કલોલ (ગાંધીનગર) ખાતે છુપાયેલા છે.

પકડાયેલ આરોપીઓના નામ:

  • પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉ.વ. ૨૫): રહે. ભાણવડ, દેવભૂમિ દ્વારકા.
  • રાજુ બાલુભાઈ પરમાર (ઉ.વ. ૩૫): રહે. છાંયા નવાપરા, પોરબંદર.

પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઈ. આર.કે. કાંબરીયા સાથે બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરુ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ અને ડ્રાઈવર જગમાલભાઈ જોડાયા હતા.

​હાલ પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *