ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને હંફાવતા અને લાલશાહીથી નાસતા જાહેર કરાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા આરોપીઓને પકડવા મળેલી સૂચનાના આધારે પોરબંદર પોલીસ દ્વારા આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ અને વિરેન્દ્રસિંહ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી ભાવિન ઉર્ફે ડોડો સંજયભાઈ મોતીવરસ, જે પોરબંદરની સોની બજાર વિસ્તારનો રહેવાસી છે, તે હાલ અમદાવાદમાં છુપાયેલો છે.
બાતમીના આધારે પોલીસે અમદાવાદના એસ.જી. હાઈવે પર જૈન દેરાસર પાસેથી ૨૪ વર્ષીય આરોપી ભાવિન ઉર્ફે ડોડો સંજયભાઈ મોતીવરસને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં દારૂબંધીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઈ. આર.કે.કાંબરીયા સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
