ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો

વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૪
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ફરિયાદકા ગામ જવાના રસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળના ભાગે કાપેલા ડુંગરની ધાર પાસે કેટલાક શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી કટીંગ કરવાની તૈયારીમાં છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા હર્ષદભાઈ જાદવભાઈ રાંઘાણી (ઉ.વ. 26), રહેવાસી મફતનગર, અક્ષર પાર્ક પાસે, કુંભારવાડા, ભાવનગરને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી “For Sale in National Capital Territory of Delhi Only” લખેલી સીલબંદ બોટલો તથા છૂટક બોટલો મળી આવી હતી.
પોલીસે 750 એમએલની ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કીની 35 પેટીઓમાંથી કુલ 420 બોટલો તથા પ્લાસ્ટિક થેલીમાં ભરેલી 180 છૂટક બોટલો મળી કુલ 600 બોટલો કબ્જે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 6,60,000 ગણાવવામાં આવી છે. ઉપરાંત સ્થળ પરથી રેડમી કંપનીનો એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ રીતે કુલ રૂ. 6,70,000નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
આ કેસમાં દીપક ધીરુભાઈ મેર (હાદાનગર, ભાવનગર) તથા રવિ ઉર્ફે ઠાકોર દિનેશભાઈ ચૌહાણ (નારી રોડ, કુંભારવાડા, ભાવનગર) હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરોડાની કાર્યવાહીમાં એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારૈયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રાહુલભાઈ ધતુરાતર અને પ્રજ્ઞેશભાઈ પંડયાએ નોંધપાત્ર કામગીરી બજાવી હતી.
