Friday June 20, 2025

ભાણવડમાં પરિવારથી વિખૂટા પડેલા અસ્વસ્થ મહિલાનું પરીવાર સાથે પુનઃમિલન

– દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”ની કામગીરી –

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫

       ખંભાળિયા ની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. અહીંના જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટીની દેખરેખ હેઠળ 24*7 કાર્યરત આ સેન્ટરમાં આવતી મહિલાઓને હંગામી આશ્રય, કાઉન્સેલીંગ, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ છત નીચે પુરી પાડવામાં આવે છે.

       હોળી પર્વના પ્રસંગે અનેક ભાવિકો ચાલીને દ્વારકા પ્રવાસ કરતા હતા, તે દરમિયાન ભાણવડ નજીક ફતેપુર પાટીયા પાસે રાત્રીના સમયે એક અજાણી મહિલા રસ્તા પર બેસેલ અને ગભરાયેલી હોય, તે કોઈ જવાબ ન આપતા હોવાથી પદયાત્રાળુઓએ ભાણવડ પોલીસનો સંપર્ક કર્યો હતો. ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.કે. મારુ દ્વારા સ્થળ પર જઈને કરેલ પૂછપરછ દરમ્યાન પણ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. રાત્રીનો સમય હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા મહિલાને વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવ્યા હતા. ભાણવડ પોલીસ દ્વારા મહિલાના પરીવારની શોધખોળ કરાતાં બીજા દિવસે સફળતા મળી હતી અને મહિલાના પરિવારના સભ્યોને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓની જરૂરી ઓળખવિધિ કરાયા બાદ તેઓ તેમના પતિ અને સંબંધીઓ સાથે સેન્ટર પરથી રવાના કરવામાં આવ્યા હતા.

          પરિવાર દ્વારા જણાવાયા આવેલ કે તેઓ મૂળ ઓરીસ્સાના વતની છે અને મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી વારંવાર કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જાય છે અને પછી અજાણ્યા લોકો સાથે વાત કરવામાં ગભરાઇ જાય છે. સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

        પુનર્મિલન કરાવવા માટે તથા સમયસર આશ્રય અને કાઉન્સેલિંગ માટે મહિલાનાં પરિવારે પોલીસ તથા વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરનાં સહિયારા પ્રયાસો દ્વારા પરિવારથી વિખૂટા પડી ગયેલા મહિલાનું પરીવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top