Headlines

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી –

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી હાથ ધરાયેલી તપાસમાં એલસીબીના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, ખીમાભાઈ કરમુર અને પ્રકાશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા એવા સાતનારી ગેંગના સભ્યો ખંભાળિયા તાલુકાના રહીશ મહેશ મનસુખ સોલંકી (ઉ.વ. 21), જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના પરેશ ઉર્ફે પરીઓ ધીરુભાઈ વાઘેલા (ઉ.વ. 26) અને જામનગર તાલુકાના સિક્કા પાટીયા વિસ્તારમાં રહેતા કિશોર બચુભાઈ સોલંકી (ઉ.વ. 49) નામના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

        આ પ્રકરણમાં પોલીસે ચોરીના મુદ્દામાલ ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતના છકડો રીક્ષા અને રૂપિયા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 8,48,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સિક્કા પાટિયાના રહીશ ધીરુ મનજી સોલંકી, બાબુ મનજી સોલંકી અને ખંભાળિયાનો કરણ જેન્તી સોલંકી પણ સંડોવાયેલો હોવાનું ખુલવા પામતા પોલીસે આ ત્રણેય શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

      ઝડપાયેલા આરોપી પરેશ ધીરુ વાઘેલા સામે ખંભાળિયા, જામનગર સહિત કુલ ત્રણ ગુના, કિશોર બચુ સોલંકી સામે ખંભાળિયા, જામનગર, અમરેલી સહિતના પોલીસ મથકમાં કુલ સાત ગુના, મહેશ મનસુખ સોલંકી વિરુદ્ધ ખંભાળિયા, જામનગર અને રાજકોટમાં કુલ ચાર ગુના, ધીરુ મનજી સોલંકી સામે જામનગર, રાજકોટ સુરત સહિત કુલ 12 ગુના તેમજ કરણ જેન્તી સોલંકી સામે જામનગર, રાજકોટ, ખંભાળિયા, ગોંડલ વિગેરે કુલ 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું ખુલવા પામ્યું છે.

       આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, દીપકભાઈ રાવલિયા, હરપાલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ, ખીમાભાઈ, મુકેશભાઈ, વિશ્વદિપસિંહ, સહદેવસિંહ, હસમુખભાઈ, પ્રકાશભાઈ, સચીનભાઈ, ક્રિપાલસિંહ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *