Headlines

ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!

૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી

ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬

​ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, ૨૧ વર્ષીય રાધેશ મનસુખભાઈ બારૈયા પોતાના ઘરેથી નીકળ્યા હતા. તેના થોડા સમય બાદ માલણકાથી અવાણીયા રોડ પર રાધેશ બેભાન હાલતમાં પડ્યો હોવાનો ફોન તેના કુટુંબી ભાઈઓ દ્વારા જ પરિવારને કરવામાં આવ્યો હતો. આ જાણકારી મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા.

હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

પરિવારજનો રાધેશને બેભાન હાલતમાં જ ગામ સુધી લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેના ભાઈ દ્વારા ૧૦૮ મારફતે તાત્કાલિક ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તપાસ કરીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પરિવારનો આક્ષેપ અને પોલીસ કાર્યવાહી

આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરવામાં આવતા, તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે ફોન કરીને જાણ કરનાર કુટુંબી ભાઈઓએ જ રાધેશની હત્યા કરી છે. પરિવારની આ શંકાને આધારે વરતેજ પોલીસે હાલમાં ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને યુવાનના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *