જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું છે. ભાવનગર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા માટે પ્રમુખ તરીકે પ્રહલાદભાઈ કાળુભાઈ મકવાણા અને મહામંત્રી તરીકે ભાવેશભાઈ ભીમજીભાઈ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર નિમણૂક પ્રક્રિયામાં ગૌતમ બારૈયાનું મહામંત્રી પદ પર આવવું તે રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યું છે. ગૌતમ બારૈયાની આ નિમણૂક માત્ર એક પદ નથી, પરંતુ તેમની લોકપ્રિયતા અને જમીની સ્તર પરના કાર્યનો સ્વીકાર છે.
આજથી માત્ર એક વર્ષ પહેલા ગૌતમ બારૈયા સક્રિય રાજકારણના નકશામાં ક્યાંય દેખાતા નહોતા. તેમનો પક્ષીય રાજકારણ સાથે કોઈ સીધો સંબંધ પણ નહોતો. જોકે, એક વર્ષ પૂર્વે તેઓ નવા રતનપર ગામના સરપંચ તરીકે દલિત અનામત બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા અને ત્યાંથી તેમની તેજસ્વી કારકિર્દીનો આરંભ થયો. સરપંચ બન્યા બાદ તેમણે નવા રતનપર ગામમાં કરેલા વિકાસકામો અને તમામ જ્ઞાતિ-વર્ગના લોકો સાથે રાખવાની તેમની શૈલીને કારણે તેઓ પંથકના ગામડાઓમાં ખૂબ જ ટૂંકા સમયમાં અત્યંત લોકપ્રિય બની ગયા છે. આ જ લોકપ્રિયતાની નોંધ લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને સત્તાવાર રીતે પક્ષમાં આવકાર્યા છે અને સીધી જ તાલુકા કક્ષાના અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપીને ન્યાય આપ્યો છે.
ગૌતમ બારૈયા માટે આ નિમણૂક તેમની રાજકીય કારકિર્દીનો એક મોટો ‘બ્રેક’ અને મહત્વનો માઈલસ્ટોન સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી જે વ્યક્તિનું નામ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નહોતું, તે હવે સીધા જ શાસક પક્ષના મહત્વના હોદ્દેદાર બની ગયા છે. આ ઘટનાક્રમ બાદ ગૌતમ બારૈયા પર ચારે તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે જો ગૌતમ બારૈયાએ સરપંચ બન્યાના માત્ર એક જ વર્ષમાં આટલી ઊંચાઈ હાંસલ કરી હોય, તો આવનારા થોડા જ વર્ષોમાં તેઓ ભાવનગર જિલ્લાના રાજકારણનું એક મોટું અને અનિવાર્ય નામ બની શકે છે.
પક્ષની અંદર એવી પણ ચર્ચાઓ છે કે ગૌતમ બારૈયા જો જ્ઞાતિવાદના સીમિત વર્તુળમાં પડવાને બદલે તમામ જ્ઞાતિઓને સાથે રાખીને એક તટસ્થ નેતા તરીકે ઉભરી આવશે, તો ભાજપ તેમને આવનારા સમયમાં એસસી-એસટી સેલના મહત્વના હોદ્દાઓ અથવા જિલ્લા સ્તરની મોટી જવાબદારીઓ સોંપી શકે છે. વર્તમાન રાજકીય સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને એક એવા દલિત નેતાની જરૂર છે જેનો મિજાજ તટસ્થ હોય અને જે સર્વસમાજમાં સ્વીકૃત હોય. ગૌતમ બારૈયામાં આ તમામ ગુણો અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ગૌતમ બારૈયા પોતાની આ નવી રાજકીય ઇનિંગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની આ સફર એ સાબિત કરે છે કે જો સાચા અર્થમાં લોકસેવા કરવામાં આવે તો પક્ષીય માળખામાં ટોચના સ્થાને પહોંચતા વાર લાગતી નથી.
