લોકપ્રિય અધિકારી પી.કે. રાવતની લખતર ખાતે બદલી થતા ભાવનગર તાલુકા પંચાયત પરિવાર દ્વારા અપાઈ ભાવભીની વિદાય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.કે. રાવતની સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ભાવનગર તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

આ વિદાય કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવારતનપર તાલુકા પંચાયત સીટના સંયોજક જગદીશભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ અને ભાવનગર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓએ ઉપસ્થિત રહી પી.કે. રાવતને શુભેચ્છાઓ પાઠવી હતી.

ટીડીઓ પી.કે. રાવત ભાવનગર તાલુકામાં પોતાની સચોટ, પારદર્શક અને તટસ્થ કામગીરી માટે ખૂબ જ જાણીતા બન્યા હતા. વહીવટી કુશળતાના કારણે તેઓ કર્મચારીઓ અને પ્રજામાં ખૂબ લોકપ્રિયતા ભોગવતા હતા. વિદાય વેળાએ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે રાવતે હંમેશા વિકાસલક્ષી અભિગમ રાખીને તાલુકાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
