ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ
બગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયા આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પરના હુમલામાં માયાપુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ વ્યક્તિએ ગત 29 ડિસેમ્બરની રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયા આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયા આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માંગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેણે જ વીડિયો મોકલ્યો હતો. માયા આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઈવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.
બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. શનિવારે બે પોલીસ ઈન્સપેક્ટરના નિવેદન લેવાયા બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.
SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો કે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે.
