ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ મળી આવ્યા હતા જેઓ પોતે ક્યાં છે તેની જાણકારી આપી શકતા ન હતા અને રસ્તો ભુલી ગયા હોય તેવું જણાયું હતું.
રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધવલ સુતરિયા અને પોલીસ ઈન્સ્પેક્ટર એન.એન. તળાવિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે માલૂમ પડ્યું કે આ વૃદ્ધનું નામ સવાભાઈ નાનજીભાઈ ગુજરાતી (ઉં.વ. 60) છે અને તેઓ બાવા પીપળીયા ગામના રહેવાસી છે. તેઓ પોતાના ગામથી અમરદળ ખાતે રહેતી પુત્રીના ઘરે જતી વખતે રસ્તો ભુલ્હયા તા.
પોલીસે તાત્કાલિક તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો અને વૃદ્ધને તેમના સગા અજયભાઈ ભીખુભાઈ ગોહેલને હેમખેમ સોંપ્યા હતા. પોતાના ગુમ થયેલા વડીલ પરત મળતા પરિવારે રાણાવાવ પોલીસનો આભાર માન્યો હતો. આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એન. તળાવિયા સહિત હેડ કોન્સેબલ યુ.સી. ડોડીયા, કે.આર. કરેગીયા, એમ.બી. વરૂ અને પોલીસ કોન્સેબલ અભિજીતસિંહ જાડેજા જોડાયા હતા.
