Headlines

રોજે રોજ “ગેરલાભ પાંચમ” ઉજવતું નવારતનપર ગામ: નવી પંચાયત બોડીની આડોડાઈના કારણે રૂ 25 લાખની 20 ગ્રાન્ટ મંજૂર થવા છતાં કામો થતા નથી: સુપરસીડની શક્યતા: સરપંચ-ઉપસરપંચ ઘર ભેગા થવાની સંભાવના

નારન બારૈયા, નવારતનપર
નવા રતનપર ગામના વિકાસ માટે અલગ અલગ 20 ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને માત્ર કામો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે લગભગ 25 લાખથી વધુ બજેટના આ કામો કરવામાં નવારતન પર ગામની પંચાયત બોડીગ કરી રહી છે અથવા તો આ મંજૂર થયેલી ગ્રાન્ટોની ક્રેડિટ ખરેખર તો જુના સરપંચ જગદીશ બારૈયા પ્રેરિત જૂની ગ્રામ પંચાયત બોડીને મળતી હોવાથી નવી ગ્રામ પંચાયત બોડી કામોને ટલ્લે ચડાવી રહી છે.
જિલ્લા પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવા રતન પર ગામના દલિત સ્મશાનની દિવાલ માટે 2022/23 ના 15માં નાણાપંચ માંથી રૂ. 5 લાખ મંજૂર થયેલા પડ્યા છે અને એ જ દલિત સ્મશાનના સ્નાન ઘાટ માટે રૂ 4 લાખ પણ મંજૂર થયેલા પડ્યા છે પરંતુ નવી પંચાયત બોડી આ કામ હાથ ઉપર લેતી નથી. એક્ટિવિટી દ્વારા 2023/24માં સ્મશાનની દિવાલ માટે ત્રણ લાખ મંજૂર થયેલા છે આ કામ પણ પંચાયત બોડી હાથ ઉપર લેતી નથી. આ અને આ સિવાયના બીજા 20 કામો એવા છે કે જે મંજૂર થઈને પડેલા છે પરંતુ તલાટી મંત્રી દલસુખ જાનીએ આ બાબતની પંચાયતને જાણ કરી હોવા છતાં પંચાયતની નવી બોડી આ કામો શરૂ કરવામાં ડાંડાઈ કરી રહી છે. સરપંચ અને ઉપસરપંચ ફક્ત નામના જ છે અને તેઓ ભુવા ભરાડી ટાઈપના કેટલાક લોકોના ઈશારે નાખી રહ્યા છે અને ઉપસરપંચનો “અલ્પેશ બારૈયા” નામનો એક ભાઈ પોતાની દાદાગીરી અને દોઢાગીરીનું સામ્રાજ્ય ડેવલપ કરી રહ્યો છે. અને આ અલ્પેશ પણ કેટલાક સ્થાપિત હિતોના ઈશારે કામ કરી રહ્યો હોવાનું સમજાય છે. પંચાયતની કામગીરીઓમાં દોઢાગીરી કરી રહેલા અલ્પેશ ના કારણે સમગ્ર ગ્રામ પંચાયત બોડીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને તેના કારણે નવા વર્ષમાં નવા રતનપર ગ્રામ પંચાયતની નવી પંચાયત બોડી બરતરફ થાય એટલે કે આખેઆખી ગ્રામ પંચાયત સુપરસીડ થાય અને ફરી એકવાર વહીવટીદાર શાસન આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. અલ્પેશે જિલ્લા પંચાયતમાં એક અધિકારી સાથેની બેઠકમાં પણ “દોઢેશ” બનવાની કોશિશ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા વર્ષમાં નવા રતનપરની નવી પંચાયત બોડીએ ડાહ્યાડમરા થઈને કોઈ જ ભ્રષ્ટાચાર ન થાય અને સમગ્ર ગામને તમામ વહીવટ દેખાય એ રીતે ટ્રાન્સપેરન્ટ સ્ટાઇલથી કામો કરવા પડશે અને આ રીતે ડાહ્યાડમરા નહીં બને તો પંચાયત સુપરસીડ થતા અટકાવી શકાય તેવી કોઈ સંભાવના નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.

શા માટે દલિત સ્મશાનના કામો થતા નથી?

નવા રતનપર ગામમાં દલિત અનામત આવવાને કારણે ફરજિયાત દલિત સરપંચ બને તેવી સ્થિતિ સર્જાતા દલિત સરપંચ તરીકે ગૌતમ બારૈયાના સર ઉપર કાંટાળો તાજ મૂકાયો. પણ સ્થિતિ એવી પેદા કરવામાં આવી છે કે સરપંચ માત્ર નામના જ બની રહે અને સરપંચ કરતા ઉપસરપંચ નું વજન વધુ રહે અને ઉપસરપંચ કહે તેમ સરપંચે કરવાનું. અને વળી ઉપસરપંચ પણ દાણા જોવાનું અને ભુવાગીરીનું કામ કરીને અંધશ્રદ્ધા ફેલાવી રહેલા એક શખ્સના ઇશારે કામ કરે. અને ઉપસરપંચનો ભાઈ પોતે જ સુપર સરપંચ હોય તે રીતે ગામમાં દાદાગીરી-લુખ્ખગીરીનું સામ્રાજ્ય વધારે. વાત આટલે સુધી અટકતી નથી, પંચની પાછળ ઉપસરપંચ અને તેના દાદાગીરીવાળા ભાઈ ઉપરાંત ભુવાગીરી વાળા શખ્સની પાછળ પણ કેટલાક સ્થાપિત હિતો એકદમ પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે અને આ બધાને દલિત સ્મશાનનું કામને ચડાવવા માટે ચડાવી રહ્યા છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે ચૂંટણી પહેલા મત માગણી અને પ્રચાર દરમિયાન પંચાયત કબજે કરનાર તત્વો દ્વારા અમુક તત્વોને અમુક પ્રકારનું તાત્વિક વચન આપવામાં આવ્યું હતું. જો આ તાત્વિક વચન તૂટે તો આ તત્વોને એ તત્વો સાથે ડખો થાય. અને બીજી તરફ આ કામ ન થાય તો દલિતો સાથેનો પંચાયતનો ડખો મો ફાડીને ઉભો જ છે. આ બધામાં પંચાયત બોડી ભૂલ કરશે તો પંચાયત બોડી વિખેરાઈ જશે અને ફરી એકવાર વહીવટદાર શાસન આવશે. મતલબ કે હાલની પંચાયત બોડી આ કામ નહીં કરે તો બીજા કોઈ કરશે અને બીજી રીતે કરશે.

દલિતો સામે પણ ઉઠાવાઈ રહેલા કેટલાક સવાલો

દલિતો સામે કેટલાક એવા સવાલો ઉઠી રહ્યા છે કે તે લોકો જ્ઞાતિવાદ ચલાવી રહ્યા છે. સરકાર જ્યારે સામાજિક સમરસતાની વાત કરી રહી છે અને કોઈ ભેદભાવ વગર તમામ હિન્દુ સંસ્કૃતિ એક જ છે એવી ભાવના ફેલાવી રહી છે ત્યારે દલિતો પોતાનો અલગ સ્મશાન શા માટે રાખે છે? સ્મશાન તો એક જ હોવું જોઈએ કારણ કે લોકો મર્યા પછી પણ અલગ રહેવાની ભાવના ધરાવતા હોય તો સમગ્ર સમાજ એક ક્યારે થશે? એક એવી વિચારધારા પણ અસ્તિત્વ ધરાવી રહી છે કે સ્મશાન તો કોઈ જ ભેદભાવ વગર બધાનું એક જ હોવું જોઈએ. સ્મશાન અલગ બનવાથી ભારતીય સમાજ ક્યારેય એક થઈ શકવાનો નથી એવી એક ફિલોસોફી ના કારણે પણ નવારતનપર ની નવી ગ્રામ પંચાયત બોડી દલિત સ્મશાનનું કામ અટકાવી રહી હોય તેમ પણ સમજાય છે. જો આ મુદ્દા ઉપર ગૌર કરવામાં આવે અને બહુ લાંબા સમયનો વિચાર કરવામાં આવે તો દલિત સ્મશાનનું કામ અટકાવીને દફન અને જલન સહિતનું ગામ આખાનું સ્મશાન એક જ બની રહે તેમ પણ કરી શકાય. આ રીતે દલિત સ્મશાનનું કામ અટકાવવા પાછળ એક સારી ભાવના કામ કરી રહી હોવાનું પણ સમજાય છે. દલિતોએ પોતાની સામે ઉઠી રહેલા સવાલો સામે જ્ઞાતિવાદ છોડીને સંસ્કૃતિવાદ તરફ પણ વિચારવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *