Friday June 20, 2025

રોહિત શાહ : પોલિટિશિયનના હાથે સન્માન !?

  • રોહિત શાહ

મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.
મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હોય છે. એ પોલિટિશિયન હૉલમાં આવે ત્યારે આયોજકો વેવલા બનીને એને ઉમળકાભેર દોડી-દોડીને આવકારવા જાય ! અને ઘણું ખરું તો એ પોલિટિશિયનમાં સમારોહ પૂરો થાય ત્યાં સુધી બેસવાનો વિવેક પણ ન હોય. એણે બીજે ક્યાંક જવાનું હોય… એટલે સમારોહને અડધેથી રઝળતો મૂકીને એ વિદાય લે ! એ વખતે પણ આયોજકોનું ટોળું પાછું એને છેક ઝાંપા સુધી વળાવવા જાય ! એ તો ઠીક, એનાઉન્સર પણ સન્માનિત વ્યક્તિને ભૂલીને પેલા પોલિટિશિયનની વાહવાહી કરવામાં માઇકને સતત અભડાવતો રહે છે !
પોલિટિશિયનના સન્માન કે એના આદર માટે ના નથી, પણ સન્માનિત વ્યક્તિ એક દિવસ માટે તો વરરાજા હોય છે ! રાજા-મહારાજાઓના પ્રાચીન કાળમાં રસ્તેથી કોઈ વરરાજાની જાન જતી હોય અને સામેથી રાજાની સવારી આવતી હોય તો રાજા સ્વયં બાજુમાં ખસીને સન્માનપૂર્વક વરરાજાને રસ્તો આપતા હતા એવું મેં ક્યાંક વાંચ્યું છે.
પોલિટિશિયનની ઉપસ્થિતિવાળા સમારોહમાં સન્માનિત વ્યક્તિએ સાવ ગૌણ બની જવું પડતું હોય તો એવા સન્માન કરતાં અપમાન શું ઓછું ડંખીલું હોતું હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top