Headlines

લગ્ન કાંડ: ખેડાના રઢુ ગામના દિપક પરમાર સાથે ‘લૂંટેરી દુલ્હન’નું ખતરનાક કારસ્તાન: લગ્નના ગણતરીના દિવસોમાં જ પત્ની લાખોના દાગીના લઈ ફરાર: જલગાવની સપનાએ સપનું દેખાડ્યું! અમદાવાદ, ધોળકા, સુરત મહારાષ્ટ્રના શખ્સો સહિત સાત સામે આખરે ફરિયાદ

પોલીસના ધક્કા ખાધા બાદ અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ: મહારાષ્ટ્રની ટોળકીએ સુનિયોજિત કાવતરું રચી યુવકને પાયમાલ કર્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ખેડા

આધુનિક સમયમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ છે, જેનો ભોગ ખેડા જિલ્લાના રઢુ ગામના વતની દીપકભાઈ અરવિંદભાઈ પરમાર (ઉંમર ૩૬, રહે. રઢુ, તા.જિ. ખેડા) બન્યા છે. મહારાષ્ટ્રની એક યુવતી અને તેના મળતિયાઓએ ભેગા મળીને દીપકભાઈને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના પડાવી લીધા છે. નવાઈની વાત એ છે કે આ મામલે ફરિયાદ નોંધાવવા માટે પીડિત યુવકે લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા અને અનેક અધિકારીઓને રજૂઆતો કરવી પડી હતી, ત્યારે માંડ નિતીન પંચાલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ખેડા ટાઉન) દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

કેવી રીતે રચાયું છેતરપિંડીનું જાળ?

​ફરિયાદ મુજબ, આ સમગ્ર ખેલની શરૂઆત ૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ થઈ હતી. દીપકભાઈના મામાના દીકરા દીપક રામાભાઈ પરમારે (રહે. ચલોડા, ધોળકા) સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમની ઓળખમાં એક મહારાષ્ટ્રીયન છોકરી છે જે લગ્ન કરવા માટે તૈયાર છે. મધ્યસ્થી તરીકે દીપક રામાભાઈએ ભરોસો આપ્યો હતો કે તેણે અગાઉ પણ ઘણા સગપણ કરાવ્યા છે.

​ત્યારબાદ ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવથી સપના સાહેબરાવ અલહત, તેના મામા વિનોદ ભાસ્કર મોરે અને મામી મંગલાબેન અમદાવાદ આવ્યા હતા. અહીં રઢુના દીપકભાઈના ઘરે બેઠક થઈ હતી જેમાં લગ્ન માટે રોકડા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે ૧,૭૦,૦૦૦ રૂપિયા અને ચાંદીના દાગીના આપવાનું નક્કી થયું હતું.

લગ્ન અને તે જ રાત્રે નશીલો પદાર્થ ખવડાવ્યો

​૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ‘ક્રિષ્ના મેરેજ પોઈન્ટ’ ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપકભાઈ અને સપનાના લગ્ન કરાવાયા હતા. લગ્ન પૂર્ણ થતા જ દલાલો અને છોકરીના સંબંધીઓએ પોતાની દલાલી અને નક્કી કરેલી રકમ પેટે કુલ ૧,૭૦,૦૦૦ રૂપિયા રોકડા મેળવી લીધા હતા.

​લગ્ન બાદ ૧૪ ઓક્ટોબરે દીપકભાઈની માતા સવિતાબેને વહુને આશરે દોઢ તોલાની સોનાની ચેઈન પહેરવા આપી હતી. પરંતુ, ૧૬ ઓક્ટોબરની રાત્રે સપનાએ ઘરમાં રસોઈ બનાવી હતી, જે જમ્યા બાદ દીપકભાઈ અને તેમની માતાને અસાધારણ ઊંઘ આવી ગઈ હતી. આશંકા છે કે જમવામાં કોઈ નશીલો કે ઘેનયુક્ત પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. ૧૭ ઓક્ટોબરની વહેલી સવારે જ્યારે દીપકભાઈની આંખ ખુલી ત્યારે સપના ઘરમાં નહોતી અને ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો.

લાખોની લૂંટ કરી દુલ્હન ફરાર

​તપાસ કરતા જાણવા મળ્યું કે સપના પોતાની સાથે નીચે મુજબની વસ્તુઓ લઈ રાતોરાત ફરાર થઈ ગઈ હતી:

  • ​માતાએ આપેલી આશરે દોઢ તોલાની સોનાની ચેઈન.
  • ​લગ્ન સમયે આપવામાં આવેલા ચાંદીના દાગીના (છડા, કંદોરો, મંગળસૂત્ર).
  • ​દીપકભાઈનો ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન.
  • ​કુલ રોકડ અને દાગીના મળી લાખોની મતા.

​જ્યારે દલાલ દીપક રામાભાઈ પરમાર અને છોકરીના મામા-મામીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમના ફોન સ્વીચ ઓફ આવ્યા હતા.

ન્યાય માટે લાંબી લડત

​આ ઘટના બાદ રઢુ ગામના દીપકભાઈ સાવ પાયમાલ થઈ ગયા હતા. એક તરફ પત્ની છોડીને જતી રહી અને બીજી તરફ ઘરની મૂડી સમાન લાખો રૂપિયા પણ લૂંટાઈ ગયા. તેમણે આ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવા ઘણી વિનંતીઓ કરી હતી. શરૂઆતમાં પોલીસ દ્વારા આનાકાની કરવામાં આવતી હોવાથી તેમણે અનેક ઉચ્ચ કચેરીઓમાં રજૂઆતો કરી હતી. અંતે, લાંબા સમય બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપીઓની યાદી:

  1. સપના સાહેબરાવ અલહત (રહે. જલગાંવ, મહારાષ્ટ્ર) – મુખ્ય આરોપી/દુલ્હન.
  2. વિનોદ ભાસ્કર મોરે (મામા).
  3. મંગલા વિનોદ ભાસ્કર મોરે (મામી).
  4. દીપક રામાભાઈ પરમાર (રહે. ચલોડા, ધોળકા) – મુખ્ય દલાલ.
  5. કાંચનબેન ગજેન્દ્રભાઈ પરમાર (રહે. અમદાવાદ).
  6. રેખાબેન નરેશભાઈ પરમાર (રહે. અમદાવાદ).
  7. વિજયભાઈ (રહે. સુરત).

​હાલમાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના નિતીન પંચાલ આ સમગ્ર આંતરરાજ્ય છેતરપિંડીના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ કિસ્સો અન્ય યુવકો માટે પણ લાલબત્તી સમાન છે જેઓ લગ્ન માટે અજાણ્યા દલાલો પર આંધળો વિશ્વાસ મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *