જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપે છે.

આઈ.એન.એસ. કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન શશાંક શર્માએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગ રસિકોને આવકારીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરંપરાગત રાસ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આ ઉજવણીમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, કોસ્ટ ગાર્ડ વિભાગ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.





(ફોટો:- કુંજન રાડિયા)

