શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ

  • નારન બારૈયા

ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો દૂર છે તે માપી લીધું હતું અને ત્યારબાદ ભોંયરાની મદદથી એક દુશ્મનોના કિલ્લામાં પોતાના લશ્કરને લઇ જવાયું હતું. પણ ગ્રીક વિદ્વાનો ‘ઉપર ટલ્લો’ મારીને એક ઝટકે આ વાતને કાપતાં કહે છે કે ઇ. સ. પૂર્વની ચોથી કે પાંચમી સદીમાં ટોરમેન નામના એક ગ્રીક વૈજ્ઞાનિકે પતંગની શોધ કરી હતી.

જોકે બધી વાતમાં ઢીલ દઈને કાપવાની ટેવવાળા ભારતીય ઇતિહાસકારો આમાં કોઈ ખાસ દાવા-દૂવી કરતા નથી. એ લોકો એવું યે નથી કહેતા કે રામ અયોધ્યાની શેરીઓમાં આખો દિવસ ભણવા જવાને બદલે પતંગ ઉડાડ્યા કરતા અને એનાંથી ક્રોધે ભરાઈને દશરથે એમને કહી દીધું કે ‘જા જંગલ ભેગો થઈ જા’ અને ચૌદ વર્ષ સુધી પતંગ ઉડાડ્યા કર… પછી ઉડાડી – ઉડાડીને ધરાઈ જા પછી પાછો આવજે’ અને જંગલમાં ગયા તો રાવણ સીતાને ‘કન્ની’ બાંધેલો પતંગ સમજી ઉડાડી ગયો… આવું એ લોકો નથી કહેતા, પણ એ લોકોનું કહેવું એમ છે કે વિમાનની શોધ પતંગ પરથી થઈ છે, અને રામાયણમાં રાવણના ભાઈ ઇન્દ્રજીતના ‘પુષ્પક’ વિમાનનો ઉલ્લેખ છે. ‘અમરકોશ’ જેવા પ્રાચીન ગ્રંથમાં પણ પતંગનો ઉલ્લેખ હોવાનું ભારતીય ઇતિહાસકારોએ શોધી કાઢયું છે.
આપણા શાસ્ત્રોની ખૂબી એ છે કે શોધનારને બધું જ મળી રહે, અને કિટ બેસાડવા મથનાર ગમે તે વસ્તુને ગમે ત્યાં ફીટ કરી શકે. તમને ખબર છે કે નહીં, એ વાતની મને ખબર નથી, પણ ગાંધીજી એવું કહેતા કે અહિંસાની પ્રેરણા એમને ‘ભાગવત્ ગીતા’ માંથી મળી છે. પણ કેટલાક સવાલ ઉઠ્યા હતા: ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને હિંસા કરવા માટે ઉભો કરે છે. લડવા તૈયાર કરે છે !!! કાંઈ લોચો તો નથી માયોને ?!ત્યારે બાપુ એકદમ ‘બાપુ સ્ટાઈલ’માં કહેતા – ‘મારા વ્હાલા !!! મહાભારતનું યુદ્ધ એ તો સત્ય અને અસત્યની લડાઈ દર્શાવતું એક રૂપક છે. તે તો ક્યાંય લડાયું જ નથી.!’
પછી તો ઘણા લોકો એવું માનતા થઈ ગયેલા કે હવે ‘બાપુ’ હાચા. પણ ગાંધીજી સાથે મારા મતભેદો છે. હકીકતમાં મહાભારતનું યુદ્ધ એ કોઈ રૂપક નથી પરંતુ એક ‘પતંગ યુદ્ધ’ છે. પાંડવો અને કૌરવો એકબીજા સામે હાથાપાઈ કરીને લડ્યા જ નથી. બાણ, તલવાર, ભાથા, ભાલા, તીર; આ બધા પતંગોનાં પ્રકાર છે. ‘બી. આર. ચોપરાએ આકાશમાં ટકરાતાં શાસ્ત્રો બતાવ્યા છે તે હકીકતમાં શસ્ત્રો નથી પણ એક પ્રકારના પતંગો છે. યુદ્ધભૂમિ પરના આકાશમાં શસ્ત્રો ધીમે – ધીમે નજીક આવે ટકરાય, તૂટી પડે… આ બધું શું ? હકીકતમાં તો એ બં પતંગોના પેચ લડાવતા હોય તેનું વર્ણન છે. ‘કાપો… કાપો…”ના નારાઓ પેચ લડાવવા માટે એકબીજાને પાનો ચડાવવા માટેના નારા છે. કૃષ્ણએ તેના બનેવી અર્જૂનની ફિરકી પકડવાનું સ્વીકાર્યું હતું. પતંગયુદ્ધ પહેલા એવી જાહેરાત કરી હતી કે હું પતંગ ઉડાવીશ નહી, માત્ર ફીરકી જ પકડીશ. પણ વચ્ચે અર્જુનનો પતંગ કપાઈ જાય એવી પરિસ્થિતિ ઉભી થતાં કૃષ્ણએ ફીરકીનું એક બાજુનું ચકરડું કાઢીને તેનો લંગર બનાવી સામાવાળાના પતંગને લપટાવવાની કોશિશ કરી હતી.
એટલે મહાભારતનું યુદ્ધ ખરેખર તો પતંગ યુદ્ધ જ હતું એવું પૂરવાર થાય છે. નહિતર મોટા – મોટા વડીલો એમાં જોડાય ખરા ? એ લોકોને ય ખબર પડતી હતી કે અંદરો – અંદર ડખા કરવાથી કે ખૂન-ખરાબા કરવાથી માત્ર પોલીસ અને વકીલોને જ ફાયદો થાય છે. તે સમયે જાણીતા સ્થાનિક ચેનલોના પત્રકારોએ આ પતંગનું યુદ્ધનું લાઈવ પ્રસારણ પણ કર્યું હતું. ‘દિવ્ય દર્શન’ નામની એક ચેનલના માધ્યમથી સંજય એક બંગલામાં બેઠો બેઠો “કુરુક્ષેત્ર કાઇટ ફેસ્ટીવલ” માણી રહ્યો હતો અને એના પરથી એવી લાઈવ કોમેન્ટરી ધુર્તરાષ્ટ્રને સંભળાવતો હતો. સ્ટાર પત્રકાર વેદ વ્યાસે તો તેના રિપોર્ટિંગમાં આ કવરેજનું પણ કવરેજ લીધું છે. ‘હસ્તિનાપુર ન્યુઝ’ માં છપાયેલા તેના 18 આર્ટિકલોનું બાદમાં ‘વેદ વ્યાસ કૃત મહાભારત’ નામથી પુસ્તક રૂપે પ્રકાશન થયું છે, તે આપ જોઈ શકો છો.
વિવિધ વર્ણનોમાં લાશોના ઢગલા છે તે હકીકતમાં કપાયેલા પતંગો છે અને લાશોના ઢગલા ઉઠાવનારાઓનું જે વર્ણન છે તે હકીકતમાં પતંગ લૂંટવા જનારાઓ છે.

ઓરિજિનલ મહાભારતની ડૂપ્લીકેટ પ્રતો પ્રસિદ્ધ કરનારાઓ કંઇક એવું કહે છે કે પાંડવો ક્યાંકથી દ્રોપદી નામની એક સ્ત્રીને લઇ આવેલા; ને હરખથી માતા કુંતીને જાણ કરી, તો એણ કહ્યું કે ‘પાંચેય વહેંચીને ખાવ.’ હવે, એવો નિર્ણય કોઈ માતા પોતાના પુત્રોને સંભળાવે ખરી ?

અસલ કથા એવી છે કે કૃષ્ણ પાસે ‘દોરાપટ્ટી’ નામની બ્રાન્ડવાળી એક ફિરકી હતી. એનું સાચું ઉચ્ચારણ નહીં કરી શકવાથી લોકો ‘દ્રોપદી’ ઉચ્ચાર કરે છે. એટલે દ્રોપદી એ ફિરકી છે. આ ફીરકી અર્જુન કૃષ્ણ પાસેથી વાપરવા માટે લાવેલો.

આ ફીરકી એકલો અર્જુન વાપરે એના કરતાં બધા ભાઈઓ વાપરે એ સારું કહી કુંતીએ બધા ભાઈઓને સંપીને વાપરવાનું કહ્યું. અને વાપસ્વા પણ લાગેલા. (તમારે વિચારવાનું હોય તો વિચારજો : કુંતીના સંપીને વાપરવાનો હુકમ ફિરકીના સંદર્ભમાં જ છે, સ્ત્રીના અર્થમાં બંધ બેસતો ના લાગે. સ્ત્રીના સંદર્ભે હોત તો અનેક મહિલા સંસ્થાઓએ આંદોલનો કર્યાના કિસ્સાઓ નોંધાયા હોત.

એક દિવસ એવું બન્યું કે કૌરવો અને પાંડવો જુગાર રમવા બેઠા એમાં પાંડવો પાસે કેશ ખૂટી ગઈ હતી અને અર્જુન પાસે પોતાની દોરાપટ્ટી નામની ફીરકી હતી જ એટલે પૈસાને બદલે એ જૂગારપટમાં મૂકી દીધી. તો એ પણ હારી ગયા એટલે જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિરે ગશ કરી. એણે કહ્યું કે આ ફિરકીમાં જેટલી દોરી છે એની તમે લસ્સી અથવા દડો બનાવીને લઈ લો અને ફીરકી અમને પાછી આપો. કૌરવો ફીરકીમાંથી દોરી ખેંચી ખેંચીને થાકી ગયા પણ આ અખૂટ ફિરકીમાંથી દોરી પૂરી થઈ જ નહીં. પાછલા બારણે કૃષ્ણ આ ફીરકી પકડીને બેઠા હતા એની કૌરવોને ખબર ન હતી એટલે કૌરવોએ આખે આખી ફિરકી આપી દેવાનો આગ્રહ રાખ્યો. પણ પાંડવો એ વાત સાથે સહમત ન થયા એટલે પછી હસ્તિનાપુર સ્ટેટના વડીલોને લાગ્યું કે આ જાદુઈ ફિરકીના કારણે રાજકુમારો અંદરો – અંદરો લડાઈ શરૂ કરીને દોરીને એકબીજાના વાળ ખેંચવા માંડશે, ને નકામું થશે. એટલે આખરે તે દિવસે જ હસ્તિનાપુર સરકારે ૧૮ દિવસનો કાઈટ ફેસ્ટીવલ કુરેક્ષેત્ર ફિલ્ડમાં રમાડવાનું જાહેર કર્યું. (જેમાંથી પ્રેરણા મેળવીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી હતા ત્યારથી સરકાર દર વર્ષે કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરે છે.)
કુરુક્ષેત્રનું યુદ્ધ એ માત્ર કાઈટ ફેસ્ટિવલ જ હતો એ સાબિત કરવા માટે મારી પાસે બીજી ઘણી બધી દલીલો છે. ગાંધીજી મહાભારતના યુદ્ધને સત્ય અને અસત્યની લડાઈનું કાલ્પનિક રૂપક ગણાવે છે પરંતુ મારું સંશોધન કહે છે કે તે એક એવો ઇતિહાસ છે જેમાં કર્ણોપકર્ણ પરંપરાએ અનેક ગાંધીફાળા કર્યા છે. દાખલા તરીકે પાંડવો પાંચ હતા એ વાત અમારું સંશોધન સ્વીકારે છે પરંતુ કોઈ મહિલા 100 બાળકોને જન્મ આપી શકે તે વાત અમારું સંશોધન સ્વીકારતું નથી. વાસ્તવમાં કૌરવો પણ પાંચ કે છ જ હતા. દુર્યોધન, વિકર્ણ, દુ:શાસન વગેરે જે નામો જાણીતા છે એટલા જ. બાકી 100 નામોનું જે લિસ્ટ છે તે તો પતંગના નામ છે. અંતમાં હું મહાભારતને સત્ય અને અસત્યની લડાઈનું કાલ્પનિક રૂપક ગણાવવા બદલ ગાંધીજીનો આભાર માનું છું. કારણ કે તેના કારણે જ વાસ્તવિક ઇતિહાસ શું છે તેનું વાસ્તવિક સંશોધન કરવાની અત્રે મને તક મળી છે. પરંતુ ઇતિહાસ ખરેખર શું છે તેની જેને ખબર જ નથી પડતી એવા ઇતિહાસકારો શું મારી વાત માનશે? એ લોકોએ ગાંધીજીની વાત પણ માની નથી તો એ લોકો મારા ઊંડા સંશોધનના અતિશય ઊંડા ઊંડાણને સમજી શકશે? કે ઘીસીપીસી કરીને કટ કરી નાખશે?

One thought on “શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

  1. મને પહેલી વાર જાણવા મળ્યું કે ઇન્દ્રજિત રાવણનો ભાઈ હતો..આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *