Headlines

ભાવનગરના પડવા ગામમાં તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રુ. 65500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. પડવા ગામની સીમમાં રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 65,500 રૂપિયાની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે.

​મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામની સીમમાં રહેતા લવજીભાઈ જેરામભાઈ ચૌહાણ (ઉંમર ૫૫ વર્ષ મૂળ રહે. તણસા હાઈવે, લાલવાડી સીમ, કરેડા, તા. ઘોઘા, જીલ્લો ભાવનગર), જેઓ વ્યવસાયે ખેતી કરે છે, તેમણે આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લવજીભાઈ પડવા ગામની સીમમાં અનુભા લખુભા ગોહિલની ભાગમાં ખેતી રાખેલી છે અને ત્યાં જ વાડી વિસ્તારમાં મકાન બનાવી પરિવાર સાથે રહે છે.

​ગઈકાલે રાત્રિના સમયે જ્યારે તેઓ અને તેમના પત્ની રૂડીબેન વાડીએ રખેવાળી કરવા ગયા હતા અને તેમનો દીકરો મહેશભાઈ પાવર પ્લાન્ટમાં નોકરી પર ગયો હતો, ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘર પર ચૂપચાપ તસ્કરી કરી હતી. લવજીભાઈ જ્યારે વહેલી સવારે ઘરે પરત ફર્યા ત્યારે જોયું તો ઘરના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને નકુચો તૂટેલો હતો.

ફરીયાદીએ પોલીસને જણાવ્યું હતું કે – ગઈ કાલ તા. ૧૪/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રીના નવેક વાગ્યે હું તથા મારી પત્ની અમો બન્ને પડવા ગામે ભાગવી રાખેલ વાડીએ ધાંઉ, બાજરી અને તલનુ વાવેતર કરેલ હોય જેથી તેની દેખરેખ રાખવા માટે મારા ઘરેથી મારા એક રુમમાં તાળુ મારીને ગયેલ હતા અને મારા દિકરા મહેશભાઈ પડવા પાવર પ્લાન્ટમાં કામ કરતો હોય જેથી તે ત્યાં જવા નીકળી ગયેલ અને અમારા ઘરે બીજા રુમમાં મારા દિકરા મહેશભાઈની પત્ની તથા તેના બાળકો સૂતા હતા.

આજરોજ તા. ૧૫/૦૨/૨૦૨૪ ના વહેલી સવારના આશરે છ એક વાગ્યે હું અને મારી પત્ની અમો બન્ને પડવા વાડીએથી અમારા ઘરે આવતા મારા રેમનો દરવાજો ખુલ્લો પડેલ હોય અને તાળુ મારવાનો નક્ચો તૂટેલ હતો અને ઘરમાં રાખેલ સરસમાન વેર વિખેર પડેલ હતો અને બાજુના રુમમાં મારા દિકરાની પત્ની સૂતી હતી તે દરવાજા ઉપર પડેલ વાસણો નીચે પડેલ હતું તે વાસણો પૈકી હાંડામા તેમજ સ્ટીલના ડબ્બરામાં રોકડ રપિયા તેમજ જુના સોના ચાંદીના ઘરેણા મુકેલ હતા તે જોવામાં આવેલ નહી જેથી મારા ઘરમાં ચોરી થયેલનું જણાયેલ.

શું શું ચોરી થયું?

​તસ્કરોએ ઘરની અંદર ઘૂસી લોખંડના કબાટ અને અભેરાઈ પર રાખેલા વાસણોમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની તફડંચી કરી હતી. ફરિયાદ મુજબ ચોરી થયેલ વસ્તુઓની યાદી નીચે મુજબ છે:

  • સોનાનું પેન્ડલ: અંદાજે ૨ ગ્રામ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-).
  • સોનાની નથ: અંદાજે ૧ ગ્રામ (કિંમત રૂ. ૫,૦૦૦/-).
  • સોનાની કડી: અંદાજે ૦.૬ ગ્રામ (કિંમત રૂ. ૩,૦૦૦/-).
  • ચાંદીના છડા: ૩૦૦ ગ્રામ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-).
  • ચાંદીનો કંદોરો: ૨૦૦ ગ્રામ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-).
  • રોકડ રકમ: રૂ. ૨૨,૫૦૦/- (રૂ. ૫૦૦ ના દરની નોટો).

​કુલ મળીને અંદાજે રૂ. ૬૫,૫૦૦/- ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી

​આ ઘટના અંગે લવજીભાઈએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર બી.પી. ચુડાસમાએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે.

​સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ જલ્દીથી આરોપીઓને પકડી પાડે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *