– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ –
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬
યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફૂલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહ્યો છે. ભાવિકોને દ્વારકાધીશજીના દૈદિપ્યમાન શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નિહાળી ભાવિકોને ભાવવિભોર થાય છે. મંદિર પરિસરમાં રાસ-ગરબા અને કૃષ્ણધૂન પર ભાવિકો તન્મય થતા જોવા મળી રહ્યા છે.

– જગતમંદિરમાં મંગળવારે દોલોત્સવની ભવ્ય ઉજવણી થશે –
દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય તા. ત્રીજી માર્ચે પૂર્ણિમાના રોજ દ્વારકામાં આવેલાં દ્વારકાધીશ જગતમંદિરમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ દોલોત્સવની ઉજવણી કરવામાં આવશે. જગતમંદિરના પૂજારીના જણાવ્યાનુસાર મંગળવાર તા. 3 માર્ચના રોજ બપોરે 1:45 વાગ્યે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ઘાણી, દાળીયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે.
– ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી…
આરતી પ્રારંભે કેસુડા કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલા અબીલ-ગુલાલની છોળો (રંગ) ભાવિક ભકતોને પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે. બપોરે 2 વાગ્યે ઠાકોરજીના રાજાધિરાજ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફદ વસ્ત્રો સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે. ઉત્સવ આરતી બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઉજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.
– પગપાળા યાત્રીકોનો પ્રવાહ દ્વારકા યાત્રાધામ તરફ –
– ચરકલા રોડ પર પગરખા ત્યજી ખૂલ્લા પગે જાત્રા કરવાની માન્યતા –
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા દર વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ સહિતના પંથકોમાંથી પદયાત્રીઓ નિકળી પડતા હોય છે. દ્વારકા પહોંચ્યા પહેલા ચરકલા રોડ પર 6 કિ.મી. પહેલા પદયાત્રીઓ પગરખા ત્યજવાની માન્યતા ધરાવતા હોય સેંકડો પદયાત્રીઓ અહીં પોતાના પગરખા ત્યજી ત્યાંથી જગતમંદિર સુધી ખુલ્લા પગે યાત્રા કરતા જોવા મળે છે.
– પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા તથા કરતબો સાથે પગપાળા આવતા યાત્રિકો –
ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબાઓ તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવાકેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહયા છે.
ટાઢ-તાવ, ઠંડી ગરમી, તડકો છાંયો એ બધુ એક તરફ રાખીને ડી.જે.ના સથવારે નાચતા-નાચતા અંતર કાંપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ કાંઈક અલગ હોય છે. પદયાત્રિકોનો જુસ્સો જોતા એવું લાગે છે કે તેમની દ્વારકાધીશ પ્રત્યેની લગની કેટલી પ્રબળ છે.

(ફોટો: કુંજન રાડિયા)
