પહેલી ધારની વાત @ નારન બારૈયા
ગુજરાતના કવિઓ જે પ્રકારની કવિતા ઝીંક્યે રાખે છે એવી રોજની ર૦૦થી ૩૦૦ ગ્રામ કવિતા હું એકલો ઘડી કાઢું એટલી ઝીંકમઝીંકશક્તિ મારામાં છે. પણ મારામાં માણસાઇ પણ છે….
ભલે “અ-અમર” હાલતમાં મરી જવું પડે માણસાઇ નહીં છોડું. અહિંસા પરમો ધર્મ. હું ત્રાસવાદમાં નથી માનતો.
આ વાત આસ્વાદકોના સંદર્ભે પણ ધ્યાને લેવી. એ વાત પછી કરું; પહેલા કાવ્ય સર્જનની વાત સમજી લઈએ.
હાલના કહેવાતા જાણીતા કવિઓ જે રીતે ભરડ્યે રાખે છે તે મુજબ જોઇએ તો જેમાં કોઇ તર્કમેળ જ ન હોય એવા શબ્દોને એકબીજા સાથે અડોઅડ ગોઠવી દો એટલે એનાથી જે વિચિત્ર અર્થના તીખારા ઝરે એને “એ લોકો” અને કેટલાક લોકો કવિતા માની લે છે. એમાં કંઇક વિચિત્ર અર્થ તો નીકળતો જ હોય. અને ન નીકળે તો વિવેચકો “અર્થમેળાપ” કરાવી આપવાનો ધંધો લઇને બેઠા જ હોય છે. અને કોઇને અર્થ ન જડે તો સમજવું કે ક્યાંકથી તમારે માથે એવોર્ડ ઝીંકાશે. ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડનો મેળ ન પડે તો બીજી અનેક સંસ્થાઓ આ પ્રકારની કવિતાને એવોર્ડ આપવા માટે બેઠી જ હોય છે. કવિતા જો વાચકને કે આસ્વાદકને સમજાઈ ગઈ તો મર્યા સમજો. એકેય બાજુ અર્થનો નાડીનેફો મળવો જ ના જોઈએ. કવિતાનો અર્થ નહીં સમજાવવાથી માનસિક રીતે ગોથાં ખાઈ રહેલા વાચક અને આસ્વાદકને સતત ટેન્શન રહેવું જોઈએ. એને જો તમારી કવિતાનો અર્થ સમજાઈ જશે તો તમને ભાજી-મૂળા સમજી બેસશે. એ લોકોને સતત એવું લાગવું જોઈએ કે કવિ કંઈક ઊંચું જ કહેવા માંગે છે જેનો અર્થ પોતાને સમજાતો નથી. અને પછી પોતાની રીતનો મહાન અર્થ તે શોધી કાઢશે, જેની તમને પણ નવાઈ લાગશે. અને તમને નવાઈ લાગી છે એ વાત તમારે આસ્વાદકને કે વાચકને ક્યારેય કહેવાની નથી. અત્યારે અખબારોમાં અને સામયિકોમાં આસ્વાદ ઉદ્યોગ જે રીતે ચાલી રહ્યો છે તે રીતે ચાલવા દેવાનો.
અને આવી કવિતાના કહેવાતા આસ્વાદકો થોરના થરદાર જેવા છે…. (થોરના થરદાર જ લખ્યું છે, ભાઇ… ચોરના સરદાર લખવાની ઇચ્છા હતી પણ નથી લખ્યું. અને થોરના સરદાર માટે કોઈએ ભગવદ્ગોમંડળ કે સાર્થ જોડણી કોષ ખોલ્યો છે તો આવી બન્યું સમજજો. )
આમાં એવું છે…
તમે સહજ રીતે એમ કહો કે – “હું ગાંઠિયા ખાતો ખાતો જતો હતો ત્યારે એક કૂતરું ખાડો ગાળતું હતું…” તો આમાંથી કાંઇ લઇ લેવાનું નીકળતું નથી.
પણ ગુજરાતી કવિ આજ વાક્યના પદક્રમને અખ્ખડબખ્ખડ સ્ટાઇલમાં ગોઠવીને એક અમર રચના બનાવી શકે…
ઉદાહરણ તરીકે…
જતો હતો હું –
ખાતો ખાતો ગાંઠિયા…
ને
એક કૂતરું
ગાળતું હતું ખાડો…
બસ કવિતા થઇ ગઇ…
તમારે એકાદ આસ્વાદક-વિવેચક સાથે સારાસારી હશે તો તે ગાંઠિયા, કૂતરું, ખાડો, તમારી જવાની અને કૂતરાની ખાડો ગાળવાની ક્રિયા-પ્રક્રિયાના એવા એવા સિમ્બોલીક અર્થ(-અનર્થ) શોધી કાઢશે કે વાચકને તો ઠીક, તમારી જાતને તમે સાવ હડબંબોત સમજતા હશો તો ય તમને ખુદને ય એવું ફીલ થશે કે – આ તો સાલી અમર રચના છે…! અને વાચકોને કે’તું રહેવાનું કે આ તો બધું ઇશ્વરદત્ત છે.
આમાં હજી ગાઠીયા કવિ જતા જતા ખાય છે -એનો પણ કંઇક અર્થ શોધી કાઢો. વળી કવિ ક્યાં જતા હતા એની સ્પષ્ટતા નથી. એટલે આસ્વાદ કરાવનારે એવું કંઇક ઠઠાડી દેવાનું કે કોઇ ને કોઇ આત્માં ક્યાંક ને ક્યાંક જતો હોય છે, ગતિશીલ હોય છે, એ વાત કેવી ગઝબનાક ખૂબીથી મહાન કવિ નારન બારૈયાએ નિરુપી છે! !!! – એવું તમારે કહેવાનું. ઉપરથી કૂતરાની ખાડો ગાળવાની ક્રિયા વિશે બે-પાંચ જોરદાર ફિલોસોફીક સ્ટેટમેન્ટ ઠપકારો. જરુર પડ્યે કૂતરા વિશે કોઇ જાણીતી રચના યાદ કરીને મારી વાત કેટલી અર્થસભર છે એ વાત વાચકના દિમાગ પર બને એટલા જોરથી ઝીંકવાની.
આમાં ખાડો શેનું પ્રતીક છે એ સમજાવવામાં વાચકનાં મગજનાં લાસરાં (અથવા લાછોતરાં) નીકળી જવાં જોઇએ.
તમારી વિવેચનાને ખિલવા જ દેજો… મારી કવિતાઓને અડફેટે લેજો. મજા આવશે. જો આમ નહીં કરો તો હું તમારી કવિતાને અડફેટે લઇશ. અહીં અમે કવિ તો જન્મ્યા પછી બન્યા, આસ્વાદક તો જન્મજાત છીએ!
