Headlines

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ
​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નવા રતનપર ગામના રહેવાસી કેશાભાઈ બારૈયાનો માત્ર ચાર મહિનાનો માસૂમ પુત્ર ભવ્ય બારૈયા લીવરની ગંભીર બીમારીથી પીડાતો હતો. આ નાનકડા બાળકની જિંદગી બચાવવા માટે તબીબોએ તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. એક તરફ વ્હાલસોયા પુત્રની જિંદગીનો સવાલ હતો અને બીજી તરફ ઓપરેશન માટે લાગનારો લાખો રૂપિયાનો ખર્ચ હતો. વ્યવસાયે ખેતીકામ કરતા અને સામાન્ય આવક ધરાવતા કેશાભાઈ બારૈયા માટે આ રકમ એકઠી કરવી અશક્ય હતી છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાના પુત્રને નવું જીવન આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. આ ઓપરેશન માટે પિતા કેશાભાઈ બારૈયા પોતે પોતાના પુત્રને લીવરનું દાન આપવા તૈયાર થયા હતા. મુંબઈની વિલે પાર્લે સ્થિત પ્રસિદ્ધ ડોક્ટર બાલભાઈ નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

​પિતા કેશાભાઈ બારૈયાએ પોતાના કલેજાના ટુકડાને બચાવવા માટે પોતાના શરીરનું અંગ દાનમાં આપીને પિતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયું હોવા છતાં આ ગરીબ પરિવાર માટે મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અત્યારે પિતા અને પુત્ર બંને શારીરિક રીતે અશક્ત છે અને હોસ્પિટલના ખર્ચના ભાર હેઠળ દબાયેલા છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા અંદાજિત બિલ મુજબ આ ટ્રાન્સપ્લાન્ટ અને તેની આનુષંગિક સારવારનો કુલ ખર્ચ ૧૬,૫૦,૦૦૦ રૂપિયા જેટલો થવા જાય છે. જેમાં ડોક્ટરની ફી, તપાસના ખર્ચ, લોહી ચડાવવાનો ખર્ચ, દવાઓ અને રૂમ ભાડા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી ખેતીકામ કરતા પરિવાર માટે સ્વપ્ન સમાન છે. અત્યારે બાળક ભવ્ય હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ છે જેના કારણે દરરોજ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

​ધ ગ્રેટ વર્લ્ડ સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવતા કેશાભાઈ બારૈયાએ જણાવ્યું કે તેઓ અત્યારે ઓપરેશન બાદ મુંબઈમાં હોસ્પિટલની નજીક એક નાનકડી ઓરડી ભાડે રાખીને રહી રહ્યા છે. હોસ્પિટલમાં જગ્યાના અભાવે અને બાળકની દેખરેખ માટે નજીક રહેવું અનિવાર્ય હોવાથી તેમને આ ઓરડીનું દરરોજ ૧૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડી રહ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ તરફથી અંદાજે ૧,૨૦,૦૦૦ રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને જાહેર અપીલ દ્વારા જે ક્યુ આર કોડ અને બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવી હતી તેના માધ્યમથી અત્યાર સુધીમાં આશરે ૭૪,૦૦૦ રૂપિયા જેટલી રકમ એકઠી થઈ છે. જોકે હોસ્પિટલનું જે બિલ ૧૬.૫૦ લાખ રૂપિયા છે તેની સામે આ રકમ ખૂબ જ ઓછી છે. કેશાભાઈ બારૈયાના જણાવ્યા અનુસાર જે રીતે હોસ્પિટલના ખર્ચ વધી રહ્યા છે તે જોતા જ્યારે બાળકને રજા આપવામાં આવશે ત્યારે આ બિલનો આંકડો હજી પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

​કેશાભાઈ બારૈયાએ પોતાની અને પોતાના પરિવારની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમની પાસે હવે આવકનો કે બચતનો કોઈ જ સ્ત્રોત બાકી રહ્યો નથી. બાળકની જિંદગી બચાવવા માટે તેઓએ પોતાની તમામ શક્તિ લગાવી દીધી છે પરંતુ હવે આર્થિક ભીંસ તેમને તોડી રહી છે. નાણાવટી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા બ્રેકઅપ મુજબ તપાસ અને અન્ય પ્રક્રિયાઓના ૨.૯૦ લાખ, દવાઓના ૭ લાખ, ડોક્ટરની ફીના ૨.૫૦ લાખ અને અન્ય ખર્ચાઓ મળીને આ આંકડો ૧૬.૫૦ લાખે પહોંચ્યો છે. કેશાભાઈ બારૈયાએ તમામ સેવાભાવી લોકો, દાતાઓ અને સંસ્થાઓને બે હાથ જોડીને વિનંતી કરી છે કે તેમના માસૂમ પુત્ર ભવ્ય બારૈયાના જીવનની રક્ષા માટે આર્થિક સહયોગ આપે. એક પિતા તરીકે તેમણે પોતાની ફરજ બજાવીને લીવર તો આપી દીધું છે પરંતુ હવે આર્થિક મદદ વગર બાળકને હોસ્પિટલમાંથી હેમખેમ ઘરે લાવવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે.

​આ સમાચાર વાંચીને જો કોઈ ઉદાર દિલના દાતા મદદ કરવા ઈચ્છતા હોય તો તેઓ કેશાભાઈ બારૈયાના બેંક ખાતામાં સીધી રકમ જમા કરાવી શકે છે. કેશાભાઈનો સંપર્ક નંબર ૭૫૬૭૨૬૦૭૮૭ છે. દાન આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઘોઘા શાખાનો ખાતા નંબર ૩૪૬૦૮૨૯૩૯૧૫ અને આઈએફએસસી કોડ SBIN0060021 નો ઉપયોગ કરી શકાય છે. યુપીઆઈ આઈડી પર પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે. ભાવનગરના આ નાના એવા ગામના વતનીને મુંબઈ જેવા મોટા શહેરમાં સારવાર દરમિયાન કોઈ ઓળખીતું ન હોવાથી તેઓ અત્યારે માત્ર લોકોની ઉદારતા પર નિર્ભર છે. નાની એવી રકમનું દાન પણ આ ચાર મહિનાના માસૂમ બાળકને તેના ઘરે પરત લાવવામાં અને તેના પિતાની ચિંતા હળવી કરવામાં મોટું યોગદાન આપી શકે છે. અત્યારે સમગ્ર પરિવાર માત્ર એક જ આશાએ બેઠો છે કે કોઈ દેવદૂત બનીને આવશે અને તેમને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢશે. કેશાભાઈએ વધુમાં જણાવ્યું છે કે આ ઉપરાંત કેટલીક બીજી મદદ પણ મળી છે તે અંગે પોતાના મોટાભાઈ જાણે છે. અને તે અંગે હાલમાં પોતાને કશી ખબર નથી. મોટાભાઈ આ અંગેની વિગતો આપે ત્યાર પછી બધું જાણી શકાશે, રતનપર ના રાજકીય વ્યક્તિઓએ શું મદદ કરી છે તે અંગે હાલમાં પોતે કશું જણાવી શકે તેમ નથી અથવા તો જાહેર કરી શકાય તેમ નથી તેમ કેશાભાઈએ વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *