Headlines

અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

– અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ –

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬

       રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંતભાઈ અંબાણીના 31 મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે ગુરુવાર તા. 16 ના રોજ વેટનરી હોસ્પિટલ પરિસરમાં સાંજે 4 કલાકથી પશુપાલન વિષયક પરિસંવાદ યોજાશે.

      સામાજિક ઉતરદાયિત્વની પહેલ અંતર્ગત અને જીવદયાના ઉત્તમ ઉદાહરણ સમા પશુઓની સેવા-સારવારના ઉદેશ્ય સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં વર્ષ-2016માં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પડાણા ખાતે વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં હોસ્પિટલના નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા ત્રણ લાખથી વધુ બિમાર પશુ-પક્ષીઓની મેડીસિનલ, સર્જિકલ તથા ગાયનેકોલોજિકલ બિમારીઓની અદ્યતન સાધનો દ્વારા આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથે સારવાર કરવામાં આવી છે. અહીં છેલ્લા ત્રણ વર્ષમાં પશુ સારવારમાં નોંધાયેલાં સતત વધારા સાથે દૈનિક સરેરાશ 155 અને વાર્ષિક 55 હજારથી વધુ પશુ-પક્ષીઓની સામાન્યથી લઈ ગંભીર બિમારીના નિઃશુલ્ક નિદાનથી લઈ અત્યાધુનિક સર્જરી-સારવાર આપવામાં આવી રહી છે.

      આ સેવા માત્ર હોસ્પિટલ પુરતી સિમિત ન રહેતા મોબાઈલ વેટનરી વાન મારફતે રિલાયન્સ રિફાઈનરી આસપાસના 30 ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને ઘરઆંગણે નિઃશુલ્ક 24×7 ઓનકોલ પશુઓની સારવાર કરવામાં આવી રહી છે. સાથોસાથ ગંભીર અને જટિલ બિમારી ધરાવતાં પશુઓની 12 બેડ ધરાવતી હોસ્પિટલ ખાતે ઈન્ડોર સારવાર-સર્જરી કરવામાં આવે છે. ઉપરાંત, અત્યાર સુધીમાં નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુ વ્યંધત્વ નિવારણ, રસીકરણ, કૃમિનાશક તથા ઊંટની બિમારી અંગે નિદાન અને સારવાર કેમ્પ મારફતે 42 હજારથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. તો, વર્ષ 2022-23માં લમ્પી વાયરસના ફેલાવાને અટકાવવા હોસ્પિટલ તંત્ર દ્વારા 1700થી વધુ પશુઓનું રસીકરણ અને છેલ્લા સાત વર્ષ દરમિયાન 7,200થી વધુ ગિર ગાય તથા જાફરાબાદી ભેંસોમાં સફળતાપૂર્વક કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન પણ સરકારી અંકુશ વચ્ચે હોસ્પિટલ દ્વારા ઓનકોલ ટેલિ મેડીસીન પદ્ધતિએ સતત કાર્યરત રહી હતી.

       દુધાળા પશુઓના આરોગ્યની કાળજીથી લઈ ખોરાક, રસીકરણ સહિતની માહિતી અને માર્ગદર્શન આપવા હોસ્પિટલના નિષ્ણાતોની ટીમ દ્વારા ગ્રામ્ય પશુપાલક મહિલાઓ માટે તબક્કાવાર માર્ગદર્શક પરિસંવાદ યોજવામાં આવી રહ્યા છે. પશુપાલકોને લઈ જૂનાગઢ કૃષિ યુનિ. સ્થિત વેટનરી કોલેજની પણ અભ્યાકીય મુલાકાત કરાવવામાં આવે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પશુ સારસંભાળ અને પાલન પ્રત્યે જાગૃત બને તેવા હેતુ સાથે તેમને હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત કરાવવાની સાથોસાથ હોસ્પિટલ દ્વારા શાળા કક્ષાએ પણ પશુપાલન અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *