અદાલતે 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે એપીપી જયેશ ઓડેદરાની ધારદાર દલીલો ધ્યાને લીધી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા આદિત્યાણા નજીક એક યુવકને રોકી અકસ્માત સર્જી માર મારવાના કેસમાં રાણાવાવ કોર્ટે 5 આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.
આ અંગે અદાલતી સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આદિત્યાણા ગામ નજીક બાઇક પર જતા હિતેશ ઉર્ફ હનુમાન ડાકીને બાઇકની પાછળથી ઠોકર પછાડી દઈ આરોપીઓએ ધોકા અને પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઘાયલ થયેલ તે બાબતની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે કેસ રાણાવાવ કોર્ટેમાં ચાલી જતાં આજે રાણાવાવ કોર્ટે બપોરે પોરબંદર ઉપરાંત રાજ્યભરમાં જાણીતી કોટડા ગેંગના સૂત્રધાર લાખા રામા ઓડેદરા, રાજસી માલદે ઓડેદરા, કુમન મનસુખ ફટાણિયા અને માલદે કરના ઓડેદરાને સજા ફટકારી હતી. ફરિયાદ પક્ષે પબ્લિક પ્રૉસિક્યુટર એડવોકેટ જયેશ ઓડેદરાની ધારદાર દલીલો અને પુરાવા ધ્યાને રાખી કોર્ટે સજા ફરમાવતો હુકમ કરેલ હતો
રાણાવાવ કોર્ટે તમામ આરોપી સામે નોંધાયેલી ક્રિમિનલ પ્રોસિજરની જુદીજુદી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦ હજાર દંડ અલગ અલગ આરોપીઓ ફટકારેલ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કરેલ ફરિયાદો અંગેનું મનદુઃખ હોય, જે મનદુઃખ રાખી ફરિયાદી તથા સાહેદ મોટર સાયકલ સ્પ્લેન્ડર રજી. નંબર જી.જે.૨૪.જે.-૮૯૮૮ ઉપર આદિત્યાણા બાજુ જતા હતા ત્યારે આદિત્યાણા બાયપાસ પાસે ફરિયાદી તથા સાહેદને રોકાવી ગાડીમાં આવી ગેરકાયદેસર મંડળી રચી લોખંડનો પાઇપ, ધોકો, હોકી વગેરે સાથે આવી આ કામના ફરિયાદી તથા સાહેદને પાઇપ, ધોકા તથા હોકીઓ વડે માર મારી ફરિયાદીને ડાબા હાથની કલાઈના ભાગે તથા ડાબા પગના નળામાં ફેકચર કરી ઇજાઓ કરી હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ભારતીય દંડ સંહિતાનીકલમ-૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી. પી. એકટની કલમ-૧૩૫ મુજબ દાખલ થઈ હતી અને ના ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું. આ કેસની અદાલતી કાર્યવાહીમાં 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લેવાયા હતા. સરકાર તરફે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જયેશ ઓડેદરાની ધારદાર દલીલો મહત્વની બની રહી હતી.
ચાર આરોપીને જામીન મળી ગયા, પાંચમો આરોપી કુમન (મળશે તો ત્યારે) જશે સીધો જેલ હવાલે
અદાલતે આજે આપેલા ચુકાદામાં ચાર આરોપીઓને સાત સાત વર્ષની કેદની સજા ફરમાઈ છે. પરંતુ આ કેસમાં એક પાંચમો આરોપી પણ છે અને તે છે કુમન ફટાણિયા. જે તે સમયે 30 વર્ષનો કુમન મનસુખ ફટાણીયા અદાલતી કાર્યવાહી દરમિયાન પણ અબ્સકોન્ડર રહ્યો હતો. તેને ક્યારેય અદાલતી કાર્યવાહીમાં હાજર કરી શકાયો હતો નહીં. તેથી તેની સામે સીઆરપીસી 299 મુજબ તેની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવ્યો છે. હાજર થયેલા ચાર આરોપીઓને તો ઉપલી અદાલતમાં અપીલમાં જવા માટે જામીન મળી ગયા છે પરંતુ પાંચમો આરોપી કુમન પોલીસને મળતાની સાથે જ સીધો જય હવાલે થશે.
