Headlines

એમ્બરગ્રીસ કાંડ : પોરબંદર SOGનો મોટો સપાટો: 1.82 કરોડની કિંમતના ‘તરતા સોના’ (વ્હેલ માછલીની ઉલટી ) સાથે જૂનાગઢનો મેહુલ સોલંકી ઝડપાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

​ગુજરાતના દરિયાકાંઠે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે પોલીસ સતત સતર્ક છે, ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોરબંદર પોલીસે વ્હેલ માછલીની ઉલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘એમ્બરગ્રીસ’ કહેવામાં આવે છે, તેના જંગી જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1 કરોડ 82 લાખ 90 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વિગત:

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા અને પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા દરિયાઈ વિસ્તારમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનારા તત્વો પર નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી.

​આ દરમિયાન SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જી. માથુકિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એ. ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસનો જથ્થો વેચવા માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોરબંદરના નરસંગ ટેકરી હાઇવે રોડ પાસેથી મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવિણભાઈ સોલંકી (ઉંમર વર્ષ 23, રહે. જૂનાગઢ) ને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી 1 કિલો 829 ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું.

વ્હેલ માછલીની ઉલટીના વેચાણનું નેટવર્ક: જૂનાગઢનો શખ્સ 1.829 કિલો જથ્થા સાથે જેલ ભેગો

ગેરકાયદેસર વેચાણની પેરવી:

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી મેહુલ સોલંકી આ કિંમતી જથ્થો જૂનાગઢના બિલખા પાસેથી લાવ્યો હતો અને પોરબંદરમાં તેના ઊંચા ભાવ મેળવવા માટે ગ્રાહકની શોધમાં હતો. એમ્બરગ્રીસ અત્યંત મૂલ્યવાન હોવાથી તેને ‘તરતું સોનું’ પણ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ પરફ્યુમ અને દવાઓ બનાવવામાં થાય છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આનું વેચાણ કે સંગ્રહ કરવો ગુનો છે.

પોલીસ ટીમની કામગીરી:

આ સફળ કામગીરીમાં SOGના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા, જેમાં:

  • ​વાય. જી. માથુકિયા (પી.આઈ.)
  • ​આર. એ. ઝાલા (પી.એસ.આઈ.)
  • ​એ.એસ.આઈ. મહેબૂબખાન બેલીમ, રવિન્દ્ર ચાંઉ
  • ​પોલીસ હેડ કોન્સેબલ મોહિત ગોરાણીયા, હરદાસ ગરચર, ભીમાભાઈ ઓડેદરા
  • ​પોલીસ કોન્સ્ટેબલ અર્જણ ઓડેદરા, દિલીપ મોઢવાડિયા અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.

​પોલીસે હાલ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે આગળની તપાસ અને સોંપણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોરબંદરને કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *