Headlines

કુતિયાણા-રાણાવાવમાં રસ્તા પહોળા કરવા મુખ્યમંત્રી પટેલને ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત


નવીબંદર અને પસવારી-ચીખલોદ્રા માર્ગોના પહોળીકરણથી વાહનચાલકોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના સર્વાંગી વિકાસ અને લોકસુવિધા માટે સ્થાનિક ધારાસભ્ય કાંધલ સરમણ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં વિસ્તારના બે મુખ્ય માર્ગોને પહોળા કરીને વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનાવવાની માંગણી મુકવામાં આવી છે. સ્થાનિક નાગરિકોની લાંબા સમયની માગણી અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના માટે તાત્કાલિક મંજૂરી આપવાની વિનંતી કરવામાં આવી છે.
ધારાસભ્ય કાંધલ સરમણ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ નવીબંદર પહોંચ માર્ગ હાલમાં માત્ર ૩.૦૦ મીટર પહોળો છે, જેને વધારીને પ.૫૦ મીટર કરવાની જરૂરિયાત છે. આ ઉપરાંત પસવારીથી ચીખલોદ્રા તરફ જતો માર્ગ હાલમાં ૫.૦૦ મીટર પહોળો છે, જેને ૭.૦૦ મીટર પહોળો કરવા માટે રજૂઆત કરાઈ છે. આ બંને માર્ગોનું પહોળીકરણ થવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકો માટે વાહનવ્યવહાર અત્યંત સુગમ બનશે તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
આ માર્ગો પરથી દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં વાહનો પસાર થતા હોવાથી આ બંને રસ્તાઓનું પહોળીકરણ લોકસુવિધાઓ, સલામતી અને સમગ્ર વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસ માટે અત્યંત આવશ્યક બની ગયું છે. આ અંગે પોરબંદરના પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પણ નકલ મોકલીને જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય કાંધલ સરમણ જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ આશા વ્યક્ત કરી છે કે જનહિત અને જાહેર સુરક્ષાને પ્રાધાન્ય આપીને સરકાર દ્વારા આ બંને માર્ગોના પહોળીકરણ માટે વહેલી તકે જરૂરી વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવશે, જેથી વિસ્તારના લોકોને સુવિધાજનક રસ્તાઓ પ્રાપ્ત થઈ શકે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *