ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા જી.એસ.આર. 48(ઇ) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં કરવામાં આવેલા સુધારા અનુસાર 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમ 167 મુજબ ઇલેક્ટ્રોનિક ઈ-ચલણ અધિકૃત ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ઈ-પોસ્ટ દ્વારા 3 દિવસની અંદર તેમજ ભૌતિક માધ્યમ એટલે કે સ્પીડ પોસ્ટ દ્વારા 15 દિવસની અંદર વાહન વ્યવહાર વિભાગના ડેટા મુજબના સરનામા પર પહોંચાડી શકાય છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને ઈ-ચલણ મળ્યા બાદ જો ચલણ સાચું ઇશ્યુ થયેલું હોય તો, ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની અંદર તેની રકમ ચૂકવવાની રહેશે.
જો ઇશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો હોય તો સંબંધિત દસ્તાવેજો સાથે નિર્ધારિત વેબસાઇટ પર વાંધા અરજી રજીસ્ટર કરવાની રહેશે. વાહનચાલકે તે સમયે ટ્રાફિક નિયમનો ભંગ ન થયાના પુરાવા, સ્થાનિક જાહેરનામું, પરવાનગી, પ્રતિબંધ અથવા ડાયવર્ઝન અંગેની સૂચના જેવા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. માત્ર ઈ-ચલણ સામે વાંધો રજૂ કરવો પૂરતો નથી પરંતુ તેને સમર્થન આપતા યોગ્ય પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે. જો 45 દિવસની અંદર વાંધા અરજી રજીસ્ટર કરવામાં ન આવે તો ચલણ યોગ્ય હોવાનું માનીને નાગરિક દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું ગણવામાં આવશે અને ત્યારબાદ ચલણની ચુકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવે છે. વાંધા અરજી સક્ષમ અધિકારી દ્વારા નામંજૂર થાય તો આદેશ મળ્યાની તારીખથી 30 દિવસમાં ચુકવણી કરવી પડશે અથવા 50 ટકા રકમ જમા કરાવીને અદાલતનો સંપર્ક કરી શકાશે.
સુધારેલા નિયમ 21 મુજબ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થતા 1 વર્ષના સમયગાળામાં મોટર વાહન અધિનિયમ અથવા તેના નિયમો હેઠળ 5 કે તેથી વધુ ઉલ્લંઘનો માટે ઇશ્યુ થયેલા ઈ-ચલણ ધ્યાનમાં લેવામાં આવશે. જો આ ચલણોની ભરપાઈ નિર્ધારિત સમયગાળામાં કરવામાં ન આવે તો સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વાહન રજીસ્ટ્રેશન અંગેની અરજીઓ પર પ્રક્રિયા અટકાવવામાં આવશે અને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ સ્થગિત કરવામાં આવશે. વાહનને પોર્ટલ પર વ્યવહાર માટે પ્રતિબંધિત તરીકે ચિહ્નિત કરવામાં આવશે જે બાકી રહેલ ચલણની ચુકવણી ન થાય ત્યાં સુધી યથાવત રહેશે. પોલીસ અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત અધિકારીઓ કાયદાના ઉલ્લંઘનમાં સંકળાયેલા વાહનને અટકાવી શકે છે, જેથી ઈ-ચલણની અગાઉની સિસ્ટમ મુજબ અવગણના કરવી વાહન ચાલકને ભારે પડી શકે છે.
ગુજરાત પોલીસ દ્વારા તમામ વાહન માલિકો અને ચાલકોને પોતાના ઈ-ચલણ નિયમિતપણે ચકાસીને નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. વાહન માલિકોએ પોતાનો નોંધાયેલા મોબાઈલ નંબર અને સરનામું ચકાસીને અપડેટ રાખવું ફરજીયાત છે જેથી સમયસર ઈ-ચલણ મળી શકે અને ટ્રાફિક ઉલ્લંઘન તથા ઈ-ચલણ અંગેની માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમયસર પ્રાપ્ત થઈ શકે. નાગરિકોએ સમયસર ઈ-ચલણની ચુકવણી કરી અથવા નિર્ધારિત પ્રક્રિયા મુજબ તેનો નિકાલ કે પડકાર કરવો જોઈએ જેથી તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી શકે.
