– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫
ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ વિભાગના સુપરવિઝન હેઠળ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા સ્ટાફ દ્વારા રાજ્ય વ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત “પરવાહ” (CARE) કાર્યક્રમ હેઠળ ખંભાળિયામાં વિજય હાઇસ્કુલના આશરે 145 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરાયા હતા.
સાથે સાથે આ શાળા નેશનલ હાઈવેની બિલકુલ નજીક આવેલી હોવાથી નેશનલ હાઈવે ઉપર સતત વાહનોની અવર જવર રહેતી હોય, જેથી રોડ ક્રોસ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તેમજ કઈ રીતે રોડ ક્રોસ કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળકોને ટ્રાફિક નિયમ અંગેના પેમ્પલેટ – સ્ટીકર્સ પણ આપવામાં આવ્યા હતા.



(ફોટો:- કુંજન રાડિયા)