Headlines

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬

      ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

        આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ રામાણી નામના 52 વર્ષના પ્રૌઢ ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ તેમના પત્ની શોભનાબેન, સાઢુભાઈ વિનુભાઈ તથા તેમના પત્ની રમાબેન, મોટાભાઈ બાબુભાઈ, સાઢુભાઈના જમાઈ પાર્થભાઈ વિગેરે રાજકોટથી દ્વારકા દર્શનાર્થે ચાલીને જવા માટે નીકળ્યા હતા. આ તમામ પરિવારજનો આજરોજ સવારના સમયે ખંભાળિયા તરફ પહોંચ્યા હતા. ત્યારે સવારના આશરે 6:45 વાગ્યાના સમયે ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર મેઘપર ટીટોડી ગામ નજીક પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે શોભનાબેન (ઉ.વ. 51)ને પાછળથી ઠોકર મારી હતી.

         આથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શોભનાબેનને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો.

        આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્રભાઈ જેરામભાઈ રામાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

      પોલીસે સી.સી. ટી.વી. કેમેરા વિગેરે દ્વારા આરોપી વાહન ચાલકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરાવી છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *