Headlines

ખંભાળિયા નજીક રેલ્વે ગાર્ડની સતર્કતાથી ટળી રેલ દુર્ઘટના : ટ્રેન મેનેજર ‘મેન ઓફ ધ મંથ’ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬

      ખંભાળિયા તાલુકાના ભાતેલ અને ખંભાળિયા સ્ટેશન વચ્ચે તેમને ટ્રેનમાં ગત તા. 15 જાન્યુઆરી ના રોજ વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) જગદીશ પ્રસાદ બૈરવા (રેલવે ગાર્ડ) ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ પર હતા. ત્યારે તેમને ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તત્પરતા દાખવી સંબંધિત સ્થળને ચિહ્નિત કર્યું અને તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. લોકો પાઈલટનો સંપર્ક કરી અસામાન્ય ઝટકાની પુષ્ટિ કર્યા બાદ તેમણે ખંભાળિયા સ્ટેશનના સ્ટેશન માસ્ટરને લેખિત જાણ પણ કરી હતી, જેના કારણે તાત્કાલિક જરૂરી કાર્યવાહી થઈ શકી હતી.

        આ અંગેની જાણ થતાની સાથે જ ખંભાળિયાના સ્ટેશન માસ્ટર દ્વારા ઓપરેટિંગ અને એન્જિનિયરિંગ વિભાગના સંબંધિત કર્મચારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા સંબંધિત સ્થળ પર રેલ વેલ્ડ ફ્રેક્ચર જોવા મળ્યું હતું, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકતું હતું. આથી રેલવે સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને તે સેક્શન પર તાત્કાલિક 20 કિમી પ્રતિ કલાકનો સાવચેતી આદેશ લાગુ કરવામાં આવ્યો હતો અને જરૂરી સમારકામ બાદ રેલ સંચાલન પૂર્ણ સુરક્ષા સાથે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

       બૈરવાની સતર્કતા, જવાબદારી અને નિષ્ઠાને કારણે એક સંભવિત ગંભીર અકસ્માત ટળી ગયો, જેનાથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ અને રેલવે મિલકત તેમજ રેલ સંચાલનને સંભવિત નુકસાનથી બચાવી શકાયું.

       રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જગદીશ પ્રસાદ બૈરવાને પુરસ્કાર આપી, અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “બૈરવા દ્વારા પ્રદર્શિત સતર્કતા, જવાબદારી અને નિષ્ઠા રેલવે કર્મચારીઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. તેમની સજાગતાથી સંભવિત અકસ્માત ટળવો તે દર્શાવે છે કે સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ સુરક્ષિત રેલ સંચાલનનો પાયો છે. આવા સમર્પિત પ્રયાસો ભારતીય રેલવેની સુરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.”

        રાજકોટ ડિવિઝનના આ કર્મચારીની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત રેલ દુર્ઘટના ટળી ગઈ હતી. આ પ્રશંસનીય કાર્ય માટે પશ્ચિમ રેલવેના પ્રભારી પ્રદીપ કુમારે મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે આયોજિત સમારોહમાં રેલવે ગાર્ડ જગદીશ પ્રસાદ બૈરવાને “મેન ઓફ ધ મંથ” (જાન્યુઆરી-2026) સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *