મોટાપીરની દરગાહ પાસે ત્રણ શખ્સોએ ઘેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ભાવનગર જિલ્લાના ઘોઘામાં આવેલા મોટાપીરના મેળા દરમિયાન હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લીધે ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ ઘોઘા પોલીસ મથકે નોંધાઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ઉમૈદભાઈ કુત્તબભાઈ આગરીયા (ઉં.વ. ૧૯), જેઓ નવાપરા વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ના રોજ પોતાના મિત્ર કયુમખાન સાથે ઈદના તહેવાર નિમિત્તે ઘોઘામાં ભરાયેલા મોટાપીરની દરગાહના મેળામાં ગયા હતા.
સાંજના સાતેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ મચ્છીવાડા થઈ ચર્ચ પાસેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં અગાઉથી હાજર આફતાબ હારુનભાઈ ડેરેયા, નદીમ હારુનભાઈ માંડવીયા અને જાહિદ ફારુકભાઈ ખોડીયા નામના ત્રણ શખ્સોએ તેમને આંતર્યા હતા.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આફતાબ સાથે ફરિયાદીને અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. નદીમ નામના શખ્સે ફરિયાદી સામે જોઈને કટાક્ષ કર્યો હતો કે, “તું મારી સામે કેમ કાતર મારે છે?” આ વાતનો પ્રતિકાર કરતા મામલો બિચક્યો હતો.
બોલાચાલી ઉગ્ર બનતા નદીમે પોતાની કમરમાંથી છરી કાઢી ફરિયાદી ઉમૈદભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમના ડાબા હાથના અંગૂઠા પાસે ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન આફતાબ અને જાહિદે ફરિયાદીને ગંદી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરિયાદીએ બચાવમાં નદીમના પગમાં સામાન્ય ઈજા પહોંચાડી હોવાનું પણ નોંધ્યું છે.
હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે, “જો હવે પછી સામે મળ્યો તો તને જાનથી મારી નાખીશું.” ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઘોઘા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સેબલ મનુભાઈ ઉગાભાઈ સોલંકીને સોંપી છે. મેળા જેવી જાહેર જગ્યાએ બનેલી આ ઘટનાને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે.
