[[ સિમેન્ટના મોટા મોટા મજબૂત થાંભલે રમે રણચંડી ]]
દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા
લાખીબેન અને વાલી બેન નામની બે મહિલાઓ સામે ખેડૂત વિજય બાપોદરાની પોલીસ ફરિયાદ
મહિલાઓએ આવું કેવી રીતે કર્યું અને શા માટે કરવું પડ્યું તે અંગે થઈ રહેલી પોલીસ તપાસ
પોરબંદર
પોરબંદર જિલ્લાના બગવદર પંથકના દેગામની લાવડીયા સીમમાં લાખીબેન અને વાલીબેન નામની બે મહિલાઓએ એક ખેડૂતના ખેતરના શેઢે આવેલા રૂ ૨૫ હજારની કિંમતના સિમેન્ટના 30 થાંભલા તોડી નાખ્યાની ફરિયાદ બગવદર પોલીસમાં નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિજયભાઇ સરમણભાઇ બાપોદરા (ઉ.વ.૩૭, ધંધો- ખેતી, રહે.બોખીરા ગામ, પંચાયત ઓફીસની બાજુમા, તા.જી.પોરબંદર)એ (૧)લાખીબેન પરબતભાઇ કેશવાલા તથા (૨) વાલીબેન પરબતભાઇ કેશવાલા રહે.દેગામ ગામ વાડી વિસ્તાર તા.જી.પોરબંદર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીએ ફરીયાદીના ખેતરના શેઢા બાબતે ફરીયાદી સાથે માથાકુટ કરી ભુંડી ગાળો આપી ફરીયાદીના ખેતરના શેઢે આવેલ ત્રીશેક જેટલા સીમેન્ટના પોલ (પીઢીયા) ભાંગી રૂપીયા આશરે ૨૫,૦૦૦ (પચીસ હજાર) ની નુકશાની કરી હતી. તા.૨૮/૧૨/૨૦૨૪ ૧૦/૦૦ પહેલા કોઇ પણ સમયે બગવદરથી ૧૧ કી.મી. દુર, દેગામ ગામ, લાવડીયા સીમમાં બનેલી આ ઘટના અંગે 2 જાન્યુઆરીના રોજ બગવદર પોલીસમાં ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ એચપી મારુએ તપાસ હાથ ધરી છે. એફઆઇઆર તો થઈ છે પરંતુ મહિલાઓએ આવું શા માટે કર્યું છે અને ખેડૂત મહિલાઓના કયા વાંકમાં છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.