Thursday August 07, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 50 ટકા શાંતિપૂર્ણ મતદાન

ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે 43 અને 36 ટકા મતદાન –

સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ

કુંજન રાડિયા,જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫

         ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં આજરોજ એકંદરે 50 ટકા અને 40 ટકા જેટલું શાંતિપૂર્ણ મતદાન થયું છે. સલાયામાં એક સ્થળે ઈ.વી.એમ. મશીન બગડતા તંત્રએ તાકીદે તે બદલ્યું હતું. 

       ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાના સાત વોર્ડના 28 ઉમેદવારો માટે કુલ 27,270 મતદારો, ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડના કુલ 12,332 મતદારો તેમજ દ્વારકા નગરપાલિકાના 7 વોર્ડના કુલ 23,357 મતદારો માટે ચૂંટણી યોજાઈ હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ દ્વારકાની 28 પૈકી 9 બેઠકો અને ભાણવડની 24 પૈકી 8 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. આજરોજ સલાયાના 28 સદસ્યો, ભાણવડના 16 અને દ્વારકાના 19 સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી. 

        આજરોજ સવારે મતદાનના પ્રારંભ પૂર્વે ચુંટણી સ્ટાફ સાથે પોલીસના જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના કારણે આજે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

દ્વારકામાં શાંતિપૂર્ણ 46.61 ટકા જેટલું મતદાન થયું – 

         ભાજપના ગઢ અને છેલ્લા આશરે ત્રણ દાયકાથી પ્રભુત્વ ધરાવતી ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાની પ્રથમ વખત નવ બેઠક બિનહરીફ બની રહી હતી. ત્યારે વધુ એક વખત દ્વારકા નગરપાલિકા પર ભાજપનો કબજો યથાવત રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ અન્ય નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી હતી. ત્યારે 19 બેઠકો માટેની આજરોજ યોજાયેલી ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન 46.61 ટકા થવા પામ્યું છે. દ્વારકા નગરપાલિકામાં આ વખતે પણ ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા મજબૂત આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભાણવડમાં 54.74 ટકા જેટલું મતદાન –

          આ ઉપરાંત સખળ-ડખળ માટે વગોવાયેલી ભાણવડ નગરપાલિકામાં આ વખતે ભાજપે એડી ચોટીનું જોર લગાવવા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપને આઠ બિનહરીફ બેઠકોનો મોટો ફાયદો થઈ ચૂક્યો છે. ત્યારે આજરોજ ભાણવડ નગરપાલિકાની અન્ય સોળ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં અંદાજિત કુલ મતદાન 54.74 ટકા થયું છે.

સલાયામાં 49.63 ટકા જેટલું મતદાન –

        કોંગ્રેસનો ગઢ રહેલી ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં અગાઉના ઇતિહાસમાં ભાજપનો પન્નો ટૂંકો રહ્યો છે. આ વખતે પણ અહીં ભાજપને ચૂંટણી લડવા માંડ 50 ટકા જેટલા જ ઉમેદવારો મળ્યા છે. આટલું જ નહીં, ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયેલી 7 વોર્ડની 28 સભ્યો માટેની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત એ.આઈ.એમ.એ.આઈ. પક્ષએ પણ ઝુકાવ્યું છે. જેથી અહીં સર્જાયેલા ચોપાંખિયા જંગમાં કોંગ્રેસ, આપ અને એ.આઈ.એમ.એ.આઈ.એ પણ જોર લગાવ્યું છે.

        આજરોજ સલાયા નગરપાલિકાની ચૂંટણીના પ્રારંભે સવારે જીન વિસ્તારમાં એક ઈ.વી.એમ. બગાડતા ચૂંટણી તંત્રએ તાકીદે આ ઈ.વી.એમ. બદલાવ્યું હતું. આમ, આજે સાંજે છ વાગ્યા સુધીમાં સલાયા નગરપાલિકાની 28 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં કુલ સરેરાસ 49.63 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે.

        દ્વારકા, ભાણવડ અને સલાયાની તમામ ત્રણ નગરપાલિકાનું કુલ સરેરાશ મતદાન આશરે 50 ટકા જેટલું નોંધાયું છે.

ભરાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 43.42 ટકા મતદાન

        ખંભાળિયા તાલુકાના ભરાણા ગામની તાલુકા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે આજરોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 6,517 નોંધાયેલા મતદારો પૈકી અંદાજિત 43.42 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

જુવાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 36.38 ટકા મતદાન –

      કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની એક બેઠક પરની પેટા ચૂંટણીમાં મતદાનની કુલ ટકાવારી અંદાજિત 36.38 ટકા રહી હતી.

       તાલુકા પંચાયતની ઉપરોક્ત બંને બેઠકની પેટા ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન અંદાજિત 40 ટકા જેટલું રહ્યું છે.

       અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત (પેટા)ની આ ચૂંટણી માટે જિલ્લાના 43 સંવેદનશીલ સહિત કુલ 92 મતદાન બુથમાં નોંધાયેલા કુલ 75 હજાર જેટલા મતદારો માટે આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયા જિલ્લાની કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન કાર્યવાહી સંપન્ન થઈ છે.

— (મતદાનના આંકડા સાંજે 6 વાગ્યા સુધીના અંદાજિત છે)

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top