Friday June 20, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ: જિલ્લામાં 6900 નવા મતદારોનો ઉમેરાયા, 2780ના નામ કમી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. 6 જાન્યુઆરીના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 634 મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ મોટી સંખ્યામાં લોકોએ મતદારયાદીમાં પોતાના નામ સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.
    તા. 1 જાન્યુઆરીની લાયકાતની તારીખના સંદર્ભે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીમાં જિલ્લાનો જેન્ડર રેશિયો (GENDER RATIO) 955 હતો. જે આ ઝુંબેશમાં મહિલા મતદારોનું પ્રમાણ વધવાથી 960 જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે. તથા જિલ્લાનો ઈ.પી. રેશિયો(EP RATIO) 69.39 હતો. જે આ ઝુંબેશમાં નોંધપાત્ર વધારો થઇને 70.04 જેટલો થયો છે. ઉપરાંત જિલ્લાનો AGE COHORT 18-19 વય જૂથ મતદારોનું પ્રમાણ 0.81 હતું. જે નવા યુવા મતદારો નામ નોંધણી થવાથી વધીને તેનું પ્રમાણ 1.21 જેટલુ થયું છે.
   જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલ તમામ ફેરફારો બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોની વિગતો જોઇએ તો, ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં 327 મતદાન મથકમાં 1,57,310 પુરુષો, 1,52,624 સ્ત્રીઓ તથા 11 અન્ય મતદારો મળી કુલ 3,09,945 તેમજ દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં 307 મતદાન મથકમાં 1,52,788 પુરુષો, 1,45,058 સ્ત્રીઓ તથા 8 અન્ય મતદારો મળી કુલ 2,94,854 સાથે જિલ્લામાં કુલ 634 મતદાન મથકમાં 3,10,098 પુરુષો, 2,97,682 સ્ત્રીઓ તથા 19 અન્ય મતદારો મળી કુલ 6,07,799 મતદારો નોંધાયા છે.
   ચૂંટણીપંચની સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડયાના માર્ગદર્શન હેઠળ ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા કુલ 18,469 ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 17,549 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયામાં 3671 મતદારો તથા દ્વારકામાં 3229 મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ 6900 મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ખંભાળિયામાં 1260 અને દ્વારકામાં 1520 એમ કુલ 2780 ફોર્મ નામ કમી કરવામાં આવ્યા હતા. ખંભાળિયામાં 4724 અને દ્વારકામાં 3146 એમ કુલ 7888 જેટલા મતદારોએ નામ-સરનામામાં સુધારા-વધારા કરાયા છે.
   આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારો તેમજ નામ સરનામામાં સુધારો-વધારા કરાયેલ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે.
    મતદાર યાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા. 6 જાન્યુઆરી 2025 ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. જેમાં કુલ 6900 મતદારોનો ઉમેરો થયેલ અને 2780 મતદારો કમી થયા . આમ, જિલ્લામાં કુલ 4120 મતદારોનો વધારો થયો છે. જેમાં ખંભાળિયામાં 2411 અને દ્વારકામાં 1709 મતદારોનો ઉમેરો થયો છે.
       જિલ્લામાં કુલ 182 ELC કલબ, 407 ચુનાવ પાઠશાળા, 93 વોટર અવેરનેશ ફોરમ, 12 કોલેજના 17 કેમ્પસ એમ્બેસેડર મારફત સ્વીપ એકટીવીટી અંતર્ગત જિલ્લાની તમામ કોલેજમાં 18-19 વયજૂથના યુવા વિધાર્થીઓ માટે મતદાર નોંધણીના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ બીએલઓ, સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને ચારેય તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, બંને પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની મતદારયાદી શાખાની ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
   આ ઝુંબેશ દરમિયાન મતદાર યાદીના રોલ ઓબ્ઝર્વર રાહુલ ગુપ્તા દ્વારા જિલ્લાના મતદારયાદી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક કરી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મામલતદાર (ચૂંટણી) અને મતદારયાદી સ્ટાફ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળો પર આવેલ મતદાન મથકો પર મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
    અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના બી.એલ.ઓ.નો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top