જામ ખંભાળિયા, તા.1
ભારતના ચારધામ પૈકીના એક ધામ અને સપ્તપૂરીમાંની એક પૂરી દ્વારકા, ગઇકાલે સનસેટ પોઇન્ટ ખાતે સહેલાણીઓએ 2024 ને બાય બાય કહીને આજે 2025 નું સ્વાગત કર્યું હતું. યાત્રાધામ દ્વારકામાં આજે નવા વર્ષ 2025 ના સુર્યનું પ્રથમ કિરણ જોઇને અનેક ભાવિકોએ અને સહેલાણીઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને 2025 ની શુભ શરૂઆત કરી હતી. અને દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં યાત્રાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. અનેક ભાવિકોએ ભગવાન દ્વારકાધીશની એક ઝલક પામવા માટે લાઈનોમાં ઉભીને ઝંખના સેવીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે જગતમંદિર પરિસર સહિત બજારમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો.
આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અનેક યાત્રાળુઓ દ્વારકાની આજુ બાજુ આવેલા અનેક જોવા લાયક તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અને કુદરતી વાતાવરણને માણીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને આજે વર્ષના પ્રથમ દિવસે ભગવાન પાસે શ્રદ્ધાળુઓએ સુખ સમૃદ્ધિ અને દેશ, રાજ્યની સારી કામનાઓ કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)

