દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫

       દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ પાણી ફરી વળ્યા હતા. સરકારી ચોપડે આજરોજ બપોરે પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.

      યાત્રાધામ દ્વારકામાં વર્ષના આ અંતિમ દિવસોમાં યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી, અચાનક આવેલા વરસાદને કારણે ભક્તોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સુસવાટા મારતા ઠંડા પવન સાથેના આ માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

     શિયાળામાં તડકાની જરૂરિયાત વચ્ચે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને ધાણા જેવો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પવન સાથેના આ વરસાદી માવઠાથી પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *