Headlines

દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો

– ઓખા મંડળમાં બે નવનિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ –

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા સમયાંતરે વિવિધ સેવા સુવિધાઓનો વધારો કરવામાં આવતા સમગ્ર જિલ્લાના વિવિધ રોગોના દર્દીઓ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. સારી બિલ્ડિંગ હોય એટલે સારી સુવિધા ઉપલબ્ધ ચોક્કસ કરવી શકાય છે. આ જ નેમ સાથે દ્વારકા જિલ્લામાં ઓખા મંડળ તાલુકામાં બે નવનિર્મિત આરોગ્ય મંદિરનું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

     ઓખા મંડળમાં આવેલા શામળાસર અને બરડિયા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ દ્વારકા વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ચેરમેન ગીતાબેન વનરાજભા માણેક તેમજ વનરાજભા માણેક, શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય સેવામાં તૈયાર કરવામાં આવેલા આ બંને કેન્દ્રોના સ્ટાફને અને સ્થાનિક રહેશોને શુભેચ્છાઓ પાઠવી હતી. 

     આ બંને કેન્દ્ર રાજ્ય સરકારની 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ. 70 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. અહીં વિવિધ 12 પ્રકારની સેવાઓ આપવામાં આવશે. આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી લોકોને ઘર આંગણે સુવિધા મળશે અને આકસ્મિક ખર્ચ પણ ઘટશે. ધારાસભ્ય પબુભાએ તમામ ને તાજેતરમાં શરૂ થયેલ એચ.પી.વી. રસી વિશે લોકોને જાગૃત કર્યા હતા અને સગર્ભા માતાએ તેમજ નાના બાળકોએ સમયસર તમામ રસી લઈ લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે યુવાનોને વ્યસનથી દૂર રહી ગામના વિકાસમાં સહયોગ આપવા પણ જણાવ્યું હતું.

       આ પ્રસંગે જિલ્લા કક્ષાએથી ડો. કરમટા તેમજ ડો. ચાંડેગ્રા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયસ્વાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *