Headlines

દ્વારકા નજીક દારૂના જથ્થા સાથે જામનગરનો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

– રૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે –

– રાવલનો શખ્સ દારૂના 65 ચપલા સાથે ઝબ્બે –

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬

       દ્વારકા વિસ્તારમાં સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ. હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી ગઈકાલે બુધવારે વહેલી સવારે ચઢતા પહોરે પસાર થઈ રહેલી જી.જે. 10 ડી.ઈ. 5312 નંબરની એક આર્ટિગ મોટરકારને અટકાવીને ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાંથી 560 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

        આથી પોલીસે રૂ. 1 લાખ 12 હજારની કિંમતના દેશી દારૂ સાથે જામનગરમાં હાલ ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં રહેતા અને મૂળ દ્વારકાના રહીશ એવા કિશન દેવાભા મકવાણા (ઉ.વ. 21) ની અટકાયત કરી, રૂ. 5 લાખની કિંમતની મોટરકાર સાથે કુલ રૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

         દારૂનો આ જથ્થો તેણે જામનગરના રહીશ ભાવેશ દેવદાસ ગઢવી અને પાછતરડી ગામના અમરા કરમણ હુણ પાસેથી મેળવ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે કિશન દેવાભા મકવાણાની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 

      ખંભાળિયા ડિવિઝનના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ વિસ્તારના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા પી.એસ.આઈ. બી.કે. કડછા દ્વારા દારૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ ગઢવી, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા હૈદર ગુલમામદ હાલા દ્વારા તેના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલો રૂપિયા 20,000 ની કિંમતનો 100 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી હૈદર ગુલમામદ હાલા પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

      કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા કાના લખમણ ગામી નામના 31 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 21,125 ની કિંમતની વિદેશી દારૂની 65 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *