જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫
ભાણવડ તાબેના ધારાગઢ ગામે રહેતા સદામ અબુ ઓસમાણ મુન્દ્રા નામના 30 વર્ષના શખ્સને ગઈકાલે સોમવારે સાંજે એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઝાડની કાંટાળી ઝાડીમાંથી જામગરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શખ્સ આ જામગરી બંદૂક લઈને જંગલી જાનવરનો શિકાર કરવા નીકળ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે સદ્દામ અબુ મુન્દ્રાની અટકાયત કરી, તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા, સજુભા જાડેજા તથા નિતેશભાઈ સાદીયા દ્વારા બાતમીના આધારે કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
