Headlines

ધીમીધારે વરસાદના વરસના સતત ચાલુ: છઠ્ઠી તારીખે સ્પષ્ટ સૂર્ય દર્શન થવાની સંભાવના : ખેડૂતો વળતર મેળવવા માટે ગણાવે છે એટલું નુકસાન નથી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. કોઈ જ વધુ પડતા પવન વગર જ માત્ર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જમીનનું ધોવાણ થવાને બદલે વરસાદ જમીનમાં ઉતરી રહ્યો છે. આ એવો વરસાદ છે જેના કારણે જમીનને નુકસાન થતું નથી અને પાણી તળમાં ઉતરી રહ્યા છે. ખેડૂતો પોતાને ભારે નુકસાન થયું હોવાની ફરિયાદો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જોવામાં આવે તો જેટલું ગણાવવામાં આવી રહ્યું છે એટલું નુકસાન થયું પણ નથી. કોઈને કોઈ રીતે વળતર મેળવવાની ખેડૂતોની માનસિકતાને કારણે આ અવાજ વધુ બુલંદ લાગી રહ્યો છે પરંતુ વાસ્તવમાં જેટલું કહેવામાં આવે છે એટલું નુકસાન નથી.

છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ભાવનગરના મહુવામાં 81 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજામાં 77 મિમી, ભરૂચના હાંસોટમાં 72 મિમી, ગાંધીનગરના દહેગામમાં 71 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 62 મિમી, ડાંગમાં 59 મિમી, સુરતના મહુવામાં 56 મિમી, ગાંધીનગરમાં 56 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 52 મિમી, છોટા ઉદેપુરના બોડેલીમાં 46 મિમી, ભાવનગરના ઘોઘામાં 45 મિમી, કલોકમાં 45 અને કડીમાં પણ 45 મિમી વરસાદ પડ્યો છે.

તેવી જ રીતે સંખેડા, વાગરા, ધંધુકા, શિહોર, ઓલપાડ, વડોદરા, પાલીતાણા, તિલકવાડા, નસવાડીમાં પણ સવા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જાહેર થઈ રહેલા આ આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે અને દર ચાર કલાકે તેમાં ફેરફાર થઈ રહ્યો છે.

અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું હતું છે હજુ પણ ત્યાં જ સ્થિત છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ ડિપ્રેશન વેરાવળના દરિયાકિનારાથી 400 કિમી, મુંબઈના તટથી 510 કિમી, પણજીના દરિયાકિનારાથી 660 કિમીના અંતરે છે. આગામી 36 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે. હવામાન સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હજુ આગામી પાંચ તારીખ સુધી આ જ પ્રકારે વરસાદ વરસતો રહેવાની સંભાવના જોવામાં આવી રહી છે. સ્પષ્ટ પ્રકારે સૂર્ય દર્શન છઠ્ઠી તારીખ પછી થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *