Headlines

નવારતનપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો: સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી અકબંધ, વિરોધીઓ નિષ્ફળ

અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જતાની સાથે જ સરપંચ ગૌતમ બારૈયાના વિરોધીઓના ચહેરા ઢીલાઢફ થઈ ગયા

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર 

ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સરપંચ ગૌતમ બારૈયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ખરાખરીના જંગમાં ફિયાસ્કો થયો છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં જે સભ્યોએ બળવો કર્યો હતો, તેઓ જરૂરી બહુમતી સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે અને ગૌતમ બારૈયા પોતાના સરપંચ પદ પર યથાવત રહ્યા છે. બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જતા ની સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવકારોના ચહેરા નૂર વગરના થઈ ગયેલા જોવા મળ્યા હતા. જો કે આનાથી વિરોધ પક્ષ વધુ આક્રમક બનવાની પણ એક સંભાવના છે અને તેનાથી હવે સરપંચ ગૌતમ બારૈયાને પંચાયતના દરેક કામ કરવામાં એકદમ ચોખ્ખા અને પારદર્શક રહેવું પડશે. જો આમ નહીં કરે તો સરપંચ ગૌતમ બારૈયા પર બીજા અનેક આક્ષેપો સાથે પોલિટિકલ એટેક થઈ શકે છે.

​વ્યસ્ત હોવાનો દેખાવ કરનાર ઉપસરપંચ પક્ષનો પરાજય

​આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે યોજાયેલી આ કાર્યવાહીમાં ભારે રસાકસી જોવા મળી હતી. પોતાની પાસે પૂરતું સંખ્યાબળ હોવાનો અને પોતે ખૂબ જ વ્યસ્ત હોવાનો સતત દેખાવ કરી રહેલા ઉપસરપંચ ધર્મેશ બારૈયા અને તેમના સાથીદારો અંતે પંચાયત ભવનમાં માત ખાતા જોવા મળ્યા હતા. જે રીતે ધર્મેશ બારૈયાએ આખી રમત ગોઠવી હતી, તેમાં તેઓ ઊંધા માથે પડ્યા છે અને તેમની તમામ વ્યૂહરચનાઓ નિષ્ફળ સાબિત થઈ છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયા અમુક લોકોને એવું કહેવાની પણ હિંમત કરતા હતા કે હું અત્યારે ખૂબ કામમાં છું અને પછી વાત કરીએ. હવે વિરોધી ઓ પાસે હાલ પૂરતું તો વાત કરવા જેવું કંઈ બચ્યું નથી. પણ હવે એ લોકો સરપંચના દરેક કામો ઉપર બાજ નજર રાખશે અને સરપંચ કંઈ પણ ખોટું કરતા પકડાશે તો હવે એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત વગેરે ભૂલી જઈને સરપંચના કામની ભૂલ હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સરપંચ કોઈ મોટી ભૂલ કરશે તો એ મામલે પણ સરપંચને સસ્પેન્ડ કરાવવાની ગતિવિધિઓ તેજ કરશે એમ જણાઈ રહ્યું છે.

​ભૂતકાળમાં લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા?

​નોંધનીય છે કે, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ લાવવામાં આવેલી આ દરખાસ્તમાં સરપંચ વિરુદ્ધ અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં:

  • ​૧૫માં નાણાં પંચના કામોમાં ગેરરીતિ અને સીસી રોડની ખરાબ ક્વોલિટી.
  • ​ખાનગી પ્લોટમાં બ્લોક ફિટિંગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ.
  • ​સભ્યોની મંજૂરી વિના એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાં ફેરફાર.
  • ​સભ્યોને એટ્રોસીટી કે પોલીસનો ડર બતાવી ધમકાવવા.
  • ​એજન્સીઓ પાસેથી લાંચની માંગણી કરવી.

​જોકે, મતદાનના સમયે આ આક્ષેપો કરનારા સભ્યો જરૂરી સંખ્યાબળ એકઠું કરી શક્યા નહોતા. બીજી તરફ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે તેથી તેમણે કરેલા આક્ષેપો આધાર વગરના છે તેમ પણ કહી શકાતું નથી. તેમજ જરૂરી તપાસ થશે અને જો કોઈ પણ કામમાં ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયેલો માલુ પડશે તો એ મુદ્દે ઉપસરપંચ અને તેનો પક્ષ એટલે કે વિરોધીઓ સરપંચને સાણસામાં લઈને કાયદાનું હથિયાર ઉગામી શકશે અને જો ગેરરીતી સાબિત થશે તો પણ સરપંચને ઘર ભેગા કરવામાં વિરોધ પક્ષ એટલે કે આ હાલની બોડી ના સભ્યો જ સફળ થઈ શકશે. બીજી તરફ પ્રવીણ મકવાણાનું દબાણ હવે ડિમોલિશ્ડ થાય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

​બહુમતીનું ગણિત અને સત્તાનો જંગ

​નવારતનપર પંચાયતના કુલ સંખ્યાબળમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં પ્રવીણભાઈ મકવાણા, મેહુલભાઈ બારૈયા, કવિતાબેન ગોહિલ, હર્ષાબેન બારૈયા અને મંગુબેન ગોહિલ સહિતના ૬ સભ્યો એકઠા થયા હતા. પરંતુ સરપંચ ગૌતમ બારૈયા સામે દરખાસ્ત મંજૂર કરાવવા માટે હજુ ૧ વધારાના સભ્યની જરૂર હતી, જે મેળવવામાં વિરોધ પક્ષ નિષ્ફળ રહ્યો હતો.

​તાલુકા પંચાયત પ્રમુખ અને ટી.ડી.ઓ.ની દેખરેખ હેઠળ યોજાઇ હતી. તેમાં પંચાયતના સચિવ તરીકે તલાટી મંત્રી દલસુખ જાની તથા ટીડીઓના પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયામાં અંતે સરપંચ પક્ષનો વિજય થયો હતો. આ જીત બાદ ગૌતમ બારૈયાના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પરિવર્તનના બણગાં ફૂંકનારા ધર્મેશ બારૈયા અને તેમની ટોળકીને રાજકીય રીતે નીચાજોણું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *