
પહેલી ધારની વાત – નારન બારૈયા
સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…
સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય

પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય છે : ડી-સ્ટાફમાં ‘ડી’ એટલે ડિટેક્ટીવ… ડેકોઈટીથી લઈને ડીસેપ્શન સુધીના ડિટેક્શન ખાસ પ્રકારનું પિઅરિંગ માગી લે તેવા હોય છે
બુદ્ધિપૂર્વકના પ્રપંચો ખેલીને માણસ, માણસને વેતરી નાખવાં ઘાંઘો થયો છે ત્યારે છેલ્લે ડિફેન્સિવ એટીટ્યુડથી પણ એક સજ્જન માણસે પિઅરિંગનો સહારો લેવો પડે છે
માવતરોને શાળા-કોલેજ કે કોઈ પણ અન્ય જગ્યાએ જતું પોતાનું સંતાન શું કરે છે, તે જાણવામાં રસ છે: તેઓ ડિટેક્ટીવ એજન્સીનો ઉપયોગ કરીને સંતાનોનું પિઅરિંગ કરાવે છે
વિશ્વની સફળ કંપનીઓની સફળતા પાછળ તેના માલિક કે સતાવાહકનું સ્નૂપીંગ ફેક્ટર કામ કરે છે: પ્રોફેશનલ કંપનીઓમાં થતું પોઝીટીવ સ્નૂપીંગ કંપનીને વિકાસ પંથે લઈ જાય છે
સફળ બોસને આ વાતની ખબર હોય છે, અને તેથી જ તે ક્યારેય કર્મચારીઓ ઉપર સ્નૂપીંગ કરતા ‘પકડાતો’ નથી…
જમાનો બધું કરાવે છે: પરિવારમાં આજે પતિ-પત્ની પણ એકબીજાનું સ્નૂપીંગ કરે/કરાવે છે
ક્વોન્ટમ થીયરી માણસને પણ લાગુ પડે છે. માણસને સીધી રીતે જોવામાં આવે ત્યારે તે પર્ફોમન્સ આપી રહ્યો હોય છે. માટે જ યુગોથી માનવીને તેના અસલ રુપે જોવા માટેના પ્રયત્નોના ભાગ રૂપે માનવીએ એક પ્રયુક્તિની શોધ કરી છે જેનું નામ છે – સ્નૂપીંગ એટલે કે પિઅરિંગ… આ સ્નૂપીંગ એક બહોત બડી માયાજાળ છે.
સ્નૂપીંગ એ તપાસની એક રીત છે. પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપલી સપાટી પર બધું શાંત- શાંત માલુમ પડે, પણ પિઅરિંગમાં સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય અને સફળતા ન મળે તો અંતે હેમનું હેમ હોય… પિઅરિંગ પેલી સ્ટ્રોંગ અંડર કરંટવાળી નદી જેવું છે. ઉપરનો જળપ્રવાહ શાંત માલુમ પડે પણ ઊંડા ઊતરો તો સીધા દરિયે પુગી જવાય… સ્નૂપીંગ અંદર કુછ ઔર હૈ, બાહર કુછ ઔર…
પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે, તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે પિઅરિંગના જ હોય છે. ડી-સ્ટાફમાં ‘ડી’ એટલે ડિટેક્ટીવ… ચોરી, લૂંટ, ધાડ ખુનથી લઈને ડીસેપ્શન(ઠગાઈ- છેતરપિંડી) સુધીના ગુનાઓના ડિટેક્શન ખાસ પ્રકારનું પિઅરિંગ માગી લે તેવા હોય છે. આમ જુઓ તો દરેક પોલીસમેન આ રીતે પિઅરિંગ માસ્ટર હોય છે. નિષ્ફળ પોલીસમેન પાસે પિઅરિંગ પાવરની કમી હોય છે. પિઅરિંગ એ માત્ર પોલીસની જ નહીં, સલામત રીતે જીવી લેવા ઇચ્છનાર દરેક વ્યક્તિની જરૂરિયાત છે. માનવજાતમાં અપ્રમાણિકતા અને અનૈતિક કૃત્યોનું આચરણ વધી પડ્યું છે… અને તેમાં પણ બુદ્ધિપૂર્વકના પ્રપંચો ખેલીને માણસ, માણસને વેતરી નાખવાં ઘાંઘો થયો છે ત્યારે છેલ્લે ડિફેન્સિવ એટીટ્યુડથી પણ એક સજ્જન માણસે પિઅરિંગનો સહારો લેવો પડે છે.
આજે વિશ્વની સફળ કંપનીઓની સફળતા પાછળ તેના માલિક કે સતાવાહકનું સ્નૂપીંગ ફેક્ટર કામ કરતું હોય છે. પ્રોફેશનલ કંપનીઓમાં થતું પોઝીટીવ સ્નૂપીંગ કંપનીને વિકાસના પંથે લઈ જાય છે. તો બીજી બાજુ પિઅરિંગનો ખોટો કે ખરાબ ઉપયોગ કંપનીને ખોટના ખાડામાં પણ ઉતારી શકે.
કોઈ પણ કંપનીમાં બોસ એ એક મર્યાદાવાળું ‘સ્થાન’ છે. કર્મચારીઓ કંપનીમાં કર્તવ્યનિષ્ઠાથી કામ કરે છે કેે કેમ તે બાબત જોવા માટે સામાન્ય રીતે સામાન્ય કે અસામાન્ય કર્મચારીઓ વચ્ચે આવીને તેને સતત ટીકી-ટીકીને જોયા કરવામાં બોસનું ગૌરવ રહેતું નથી. અને એવો કોઈ બોસ હોય તો કર્મચારીઓ એને થોડા જ સમયમાં જોકર જેવો બનાવી મૂકે છે. બોસ પોતાની ડિગ્નીટીથી વાકેફ હોય છે. અને એટલે તે ખાસ સંજોગોમાં અથવા નિયત સંજોગોમાં જ તેના કર્મચારીઓ સમક્ષ અપિયર થાય છે. ઘુવડની જેમ બેસીને કર્મચારીઓને કામને તાક્યા કરનારો બોસ કર્મચારીઓને ગમતો નથી એ વાતની એક સફળ બોસને ખબર હોય છે. દરેક કર્મચારી ઈચ્છે છે કે પોતાના બોસને પોતાના પર ગળા સુધી વિશ્વાસ હોવો જોઈએ. અને બોસને એવો વિશ્વાસ છે એવો વિશ્વાસ કર્મચારીને હોય તો જ એને કંપની કે બોસ માટે નિષ્ઠા, પ્રમાણિકતા, ઉત્સાહ અને ખંતપૂર્વક કામ કરવાનો આત્મઉત્સાહ મળે છે. સફળ બોસને આ વાતની ખબર હોય છે, અને તેથી જ તે ક્યારેય કર્મચારીઓ ઉપર સ્નૂપીંગ કરતા ‘પકડાતો’ નથી…
પકડાતો નથી એટલું જ… બાકી હકીકતમાં દરેક સફળ બોસ તેના નાનામાં નાના કર્મચારી ઉપર પોતાનો અદ્રશ્ય કેમેરો લગાવીને જ બેઠો હોય છે, અને એને જ સ્નૂપીંગ કહેવાય છે. કર્મચારીઓને ખબર પડી જાય તો તેને સ્નૂપીંગ ન કહેવાય. એક જવાબદાર અને સફળ બોસ બનવા માટે પોતાની કંપની, સંસ્થા, યુનિટ કે ગ્રુપને આગળ લઇ જવા માટે દરેક કર્મચારી કે સભ્યોને ટીંકી-ટીંકીને જ નહીં, એના મનની અંદર વીંખી-પીંખીને જોવું એ પણ બાહોશ બોસ માટે જરૂરી હોય છે. બોસની આ પાયાની જરૂરિયાત પણ છે અને ફરજ પણ છે. આવું નહીં કરનાર બોસની કંપનીનું વહાણ વહેલું-મોડું ડૂબવાની સંભાવના વધારે પડતી હોય છે.
કર્મચારીઓ ઉપર બાઝનજર રાખનારો બોસ કર્મચારીઓ પાસેથી કામ કઢાવી શકતો નથી, અને બીજી તરફ કર્મચારીઓે ઉપર બાઝનજર રાખનારો બોસ જ કંપનીને સફળ બનાવી શકે !!! પણ બોસ, એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડતા આ બંન્ને ઘોડાઓ ઉપર એક-એક પગ રાખીને સફળતાપૂર્વક, સલામત સવારી કરી શકે એને જ રિયલ બોસ કહેવામાં આવે છે. રીયલ બોસ પાસે બાઝનજર રાખ્યા વગર ‘બાઝનજર’ રાખવાના એટલે કે સ્નૂપીંગ કરવાના અનેક સાધનો હોય છે.
સ્નૂપીંગ બે-ધારી તલવાર છે. પિઅરિંગને આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી પડી શકે છે લાગુ પડી શકે છે. સ્નૂપીંગ સાપેક્ષ છે.
પિઅરિંગની પ્રભાવકતા અને જરૂરિયાત રાજકારણમાં પણ જબરદસ્ત છે. અનેક રાજકારણીઓની કેરિયરો ઇફેક્ટીવ પિઅરિંગના કારણે આકાશની ઊંચાઈને આંબી છે. અને અનેકાનેક રાજકારણીઓની કેરિયર ડિફેક્ટીવ પિઅરિંગને કારણે પાતાળમાં ધરબાઈ ગઈ છે. સમાજ જીવન અને ઘટનાઓ પર બાઝનજર રાખતો પત્રકાર એક પિઅરિંગ માસ્ટર હોવો જોઈએ. એનું પિઅરિંગ નેટવર્ક પત્રકારને લાયક ઊંચાઈ પર પહોંચાડે છે. જો કે પિઅરિંગ તો આજે પરિવાર કક્ષાએ પણ પ્રભાવક સ્વરૂપે વિદ્યમાન છે. ભાઈ, ભાઈનું… ભાઈ, બેનનું… બેન, બેનનું… બેન, ભાઈનું… અને ત્યાં સુધી કે ખુદ મા-બાપ તેમના સંતાનોનું અને સંતાનો મા-બાપનું પિઅરિંગ કરે છે. પોતાનું સંતાન પોતાની ગેરહાજરીમાં શું ઉકાળે છે તેની ઝીણી-ઝીણી ‘વિગતો’ જાણવાનો માવતર જગતની નવી પેઢીને ચસ્કો લાગ્યો છે. નવી પેઢીના માવતરોને પોતાનાથી છૂટું પડીને કે શાળા-કોલેજ કે કોઈ પણ અન્ય જગ્યાએ જતું પોતાનું સંતાન શું કરે છે, તેની તમામ પ્રકારની વિગતો જાણવામાં રસ છે. તેઓ ડિટેક્ટીવ એજન્સીનો ઉપયોગ કરીને સંતાનોનું પિઅરિંગ કરાવે છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત કે વડોદરા જેવાં શહેરોમાં નવરાત્રી દરમ્યાન દાંડિયા રાસ રમવા માટે એકલી-એકલી કે સખીઓ સાથે નીકળી પડતી લાડલી દીકરી ઘરનો ઉંબરો ઓળંગીને બહાર કેવી રીતે શું કરે છે એ જાણવા માટે માવતરો ડિટેક્ટીવ એજન્સીઓને સ્પેશ્યલ સ્નૂપીંગ ચાર્જ ચૂકવે છે.
જમાનો બધું કરાવે છે. પરિવારમાં આજે પતિ-પત્ની પણ એકબીજાનું સ્નૂપીંગ કરે/કરાવે છે. જો કે આ બાબતને તમે પોઝિટિવલી પણ લઈ શકો. તમારી પત્ની કે તમારા એ તમારું સ્નૂપીંગ એટલા માટે કરે છે કે એને તમારામાં અત્યંત રસ છે. તે ગેરહાજરીમાં પણ તમને રેઢો (કે રેઢી)મૂકતી (કે મૂકતો) નથી. તેની આ વૃત્તિ પાછળ આખરે પ્રેમ પદાર્થ જ જવાબદાર છે… એટલે પિઅરિંગનો અર્થ લફરાંથી લઇને ‘લવ’ સુધી લંબાય છે.
સ્નૂપીંગનો અર્થ સમજવો હોય તો ‘કાલિયા’ ફિલ્મનું આ ગીત સમજવું પડે : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…


