Headlines

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૧

જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર પાલિતાણા અને તળેટી વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને શહેરની તમામ ધર્મશાળાઓ ‘હાઉસફુલ’ થઈ ગઈ હતી.

​આ પવિત્ર યાત્રા દાદાની ટૂંક સુધી ભક્તિપૂર્વક પહોંચ્યા બાદ રાયણ પગલાંથી વિધિવત શરૂ થઈ હતી. માર્ગમાં આવતી અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની દેરીઓના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભાવિકો ત્યાં નતમસ્તક થયા હતા. ત્યારબાદ યાત્રિકો ‘ચિલણ તલાવડી’ પહોંચ્યા હતા, જ્યાં પરંપરાગત રીતે ‘કાયોત્સર્ગ’ (ધ્યાન) કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, આ દિવસે લાખો મુનિઓ મોક્ષે ગયા હોવાથી આ યાત્રા કરવાનું ફળ અનંત ગણું માનવામાં આવે છે. યાત્રાની પૂર્ણાહુતિ સિદ્ધવડ ખાતે થઈ હતી, જ્યાં ભગવાન આદિનાથના ચરણ પાદુકાના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

​યાત્રાના અંતિમ પડાવ સમાન સિદ્ધવડ અને આદિપુર ખાતે યાત્રિકોની સુવિધા માટે અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આદિપુર પાંજરાપોળ દ્વારા આશરે ૯૦ જેટલી પાલ (વિશ્રામ સ્થાન) ઉભી કરવામાં આવી હતી. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા મેડિકલ સારવાર, શુદ્ધ પાણી, ઉકાળેલું પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે એસ.ટી. વિભાગ દ્વારા પાલિતાણાથી આદિપુર સુધીની સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી, જ્યારે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી હતી. પર્વત પર આઠ મુખ્ય પોઈન્ટ્સ પર સ્ટ્રેચરની વ્યવસ્થા સાથે નવકાર સારવાર કેન્દ્ર અને જૈન ડોક્ટર એસોસિએશનની ટીમો પણ ખડેપગે રહી હતી. સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકોની ફોજને કારણે લાખોની મેદની હોવા છતાં યાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *