પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન
પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન કર્યું હતું. કુલ સાત વિવિધ સત્રોમાં વિભાજિત આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના વારસાને સાંપ્રત સમયની જરૂરિયાતો સાથે જોડીને વૈચારિક ભાથું પીરસવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય અને પ્રારંભિક સત્રો
વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનો પ્રારંભ પૂજ્ય ભાઈશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે થયો હતો. પ્રથમ સત્રમાં સાહિત્યકાર ભાગ્યેશ જહાએ પ્રસ્તાવના દ્વારા કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મુખ્ય વક્તા તરીકે ‘ઓર્ગેનાઈઝર’ના તંત્રી પ્રફુલ્લ કેતકરએ સંસ્કૃતિના વિવિધ પરિમાણો પર માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ પણ વર્ચ્યુઅલી જોડાઈને પ્રેરક સંબોધન કર્યું હતું.
બીજા સત્રમાં ‘ગુજરાતી સાહિત્યની પહેલી પચ્ચીસીનો સાંસ્કૃતિક સંદર્ભ’ વિષય પર ચર્ચા થઈ હતી, જેમાં મણીલાલ હ. પટેલે કવિતા, રમેશ મહેતાએ નિબંધ અને હસિત મહેતાએ ગદ્ય-નાટક પર પોતાના અભ્યાસપૂર્ણ મંતવ્યો રજૂ કર્યા હતા.
યુવા પેઢી અને કાવ્યગોષ્ઠી
તૃતીય સત્રમાં આધુનિક સમયને અનુરૂપ ‘નૂતન પંથપ્રવાસી: Gen-Z સાહિત્ય’ વિષય પર યુવા પ્રતિભાઓએ સંવાદ કર્યો હતો. જેમાં રામ મોરીએ ફિલ્મ, RJ દેવકીએ અભિનય અને અજય સોનીએ વાર્તા લેખનના માધ્યમથી નવી પેઢીના દ્રષ્ટિકોણને રજૂ કર્યો હતો. પ્રથમ દિવસના અંતે કાવ્યગોષ્ઠીમાં કવિઓએ મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે પાંચમા સત્રમાં રાત્રિના સમયે મુંબઈના કલાકારો દ્વારા ગુજરાતી વાર્તાઓની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
બીજા દિવસનું વૈચારિક મંથન
બીજા દિવસે ‘વૃક્ષમાં બીજ તું… સ્વશોધ અને સાહિત્ય’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું. આ સત્રમાં ભદ્રાયુ વચ્છરાજાનીએ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય, પ્રતાપસિંહ ચૌહાણે મેનેજમેન્ટ, જયેન્દ્રસિંહ જાદવે શિક્ષણ, કનુ પટેલે કલા અને ઓજસ હિરાણીએ સ્થાપત્ય કલાના સાંસ્કૃતિક પ્રભાવ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. દરેક સત્રના અંતે પૂજ્ય ભાઈશ્રી દ્વારા વક્તાઓનું રામનામી સાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાંદીપનિ સારસ્વત એવોર્ડ અને સમાપન
અંતિમ સત્રમાં સુપ્રસિદ્ધ લેખિકા અને અનુવાદક હિમાબેન યાજ્ઞિકને પૂજ્ય ભાઈશ્રીના હસ્તે ‘સાંદીપનિ સારસ્વત એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતી અને હિન્દી ભાષાના સેતુ સમાન હિમાબેનનું સાહિત્યિક પ્રદાન જીવનમૂલ્યોથી સભર છે. પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, “આ એવોર્ડ માત્ર વ્યક્તિનું નહીં પણ સાહિત્યિક સાધનાનું સન્માન છે. સાહિત્ય અને સંસ્કૃતિનું આ ચિંતન સમાજમાં નૈતિક મૂલ્યોના સિંચન માટે અનિવાર્ય છે.”

