Headlines

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર

ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર
​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા નથી. આ ગંભીર સમસ્યાને પગલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મત્સ્યોદ્યોગ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે.
​આર્થિક બોજ અને સીઝનનું નુકસાન
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ઓનલાઇન સિસ્ટમ બંધ હોવાથી સેંકડો બોટો અને હજારો ખલાસીઓ બંદર પર જ અટવાઈ પડ્યા છે. બોટ માલિકોએ ખલાસીઓને લાખો રૂપિયાનો પગાર અને એડવાન્સ ચૂકવેલ હોય છે. બોટ ફિશિંગમાં ન જઈ શકે ત્યાં સુધી ખલાસીઓના રોજિંદા પગાર અને ખોરાકીનો ખર્ચ માલિકોએ ભોગવવો પડે છે, જે એક મોટું આર્થિક નુકસાન છે. વળી, માછીમારીની સીઝન મર્યાદિત હોવાથી એક-એક દિવસનો વિલંબ માછીમારોની આજીવિકા પર માઠી અસર કરી રહ્યો છે.

સૌથી ગંભીર ચિંતા વીમા અંગે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બોટ ફિશિંગમાંથી પરત આવે અને સોફ્ટવેરની ખામીને કારણે ‘આવક’ (Entry) ની નોંધ ન થઈ શકે, ત્યારે તે દરમિયાન જો બોટ કે ખલાસી સાથે કોઈ અકસ્માત સર્જાય, તો વીમા કંપની વળતર આપવાનો ઇનકાર કરી શકે છે. ટોકન વગરની બોટ કે ખલાસીનો વીમો મળવો અશક્ય છે, જેના કારણે જાન-માલના નુકસાનની જવાબદારી કોની? તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
​મુખ્ય માંગણીઓ અને સૂચનો
વિશાલભાઈ બાબુલાલ મઢવી (પ્રમુખ, માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ) દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્ય બે માંગણીઓ મૂકવામાં આવી છે, જેમાં જ્યારે પણ ટેકનિકલ કારણોસર ઓનલાઇન સોફ્ટવેર બંધ હોય, ત્યારે સ્થાનિક મત્સ્યોદ્યોગ કચેરી અથવા ફિશરીઝ ગાર્ડ દ્વારા ‘મેન્યુઅલ/ભૌતિક ટોકન’ ઇશ્યૂ કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. મેન્યુઅલ એન્ટ્રી બાદ જ્યારે સોફ્ટવેર ચાલુ થાય ત્યારે સિસ્ટમમાં તેને અપડેટ કરી શકાય તેવી જોગવાઈ કરવી, જેથી માછીમારોએ બંદર પર રોકાઈ રહેવું ન પડે અને બોટ સમયસર ફિશિંગમાં નીકળી શકે.
​આ રજૂઆતની નકલ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે કેટલી ઝડપથી માછીમારોના હિતમાં નિર્ણય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *