
કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરના હસ્તે ઉદઘાટન
ગત ૧૬ ફેબ્રુઆરીના રોજ આ પ્રદર્શનનું વિધિવત ઉદઘાટન પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી (IAS) ના હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ કલેક્ટરે દરેક આર્ટિસ્ટની કૃતિઓને નિહાળી હતી અને પોરબંદરના આંગણે આ પ્રકારના કલા પ્રદર્શનના આયોજનને બિરદાવ્યું હતું.



૪૦થી વધુ કૃતિઓનું આકર્ષણ
આ પ્રદર્શનમાં ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ ના ૧૩ જેટલા કલાકારોના કુલ ૪૦ જેટલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે:
- અંકિત વાડરા: પક્ષીઓની વિવિધ ૧૫ જેટલી મનમોહક પેઇન્ટિંગ સિરીઝ.
- નિતલ મકવાણા: વન્ય જીવન અને વન્ય પ્રાણીઓના અદભુત ચિત્રો.
- આ ઉપરાંત કોકિલા પટેલ, નીલુ પટેલ, ક્રિસ્ટી વોરા, ફોરમ પટેલ, જસપ્રીત મોહન સિંહ, જીનલ વાડરા, મિતાલી મકવાણા, પ્રાંચી કડિયા, રુદ્ર જાની, સંગીતા રાઠોડ, શ્રુતી સોની અને ઓલિવા દાસ પટેલની કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ
આ અવસરે પોરબંદરના જાણીતા ડો. સુરેશ ગાંધી, ડો. સનતકુમાર જોષી, ગજાનન એકેડમીના CEO કમલભાઈ પાઉં, સંસ્કાર ભારતીના અધ્યક્ષ કરશનભાઈ ઓડેદરા, જાણીતા લેખિકા અને કલરવ સાહિત્યના સેક્રેટરી પુષ્પાબેન જોષી, હિતેશભાઈ દાસાણી તથા ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા, સેક્રેટરી શૈલેષભાઈ પરમાર, આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, સમીર ઓડેદરા, ધારા જોષી અને રાજેશ કોટીયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ પોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, DYSP ઋતુ રાબા તથા ડો. રાજવી રાજશાખાએ આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદર્શનનો સમય
આ પ્રદર્શન તારીખ ૨૧/૦૨/૨૦૨૬ સુધી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કલારસિકો માટે ખુલ્લું રહેશે. પોરબંદરની કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
