




ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.
આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા, ન તો કોઈ ગુનાના ભાગીદાર, છતાં તેમની સાથે થયેલું વર્તન સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પશુઓ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારી જરૂરી છે.
આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ શ્વાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા પશુ હિંસા વિરુદ્ધ એકતાનો સંદેશ આપવા ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, પોરબંદર દ્વારા 18 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય સ્તરની કૅન્ડલ લાઇટ વિજિલનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ દરમિયાન સંદેશ આપવામાં આવ્યો કે
માર્યા ગયેલા 500 નિર્દોષ આત્માઓ માટે,
અમારામાંથી લાખો લોકો એકસાથે અવાજ ઉઠાવશે.
એક રાષ્ટ્ર, એક પ્રાર્થના. સુત્ર સાથે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમી નાગરિકોએ ભાગ લઈ હાથમાં મીણબત્તી પ્રગટાવી બેજુબાન જીવો માટે પ્રાર્થના કરી અને ન્યાયની માંગ ઉઠાવી.
આ વિજિલ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતું સીમિત ન રહૈ, પરંતુ પશુઓ પર થતા અત્યાચાર સામે એક શાંતિપૂર્ણ અને સંયુક્ત અવાજ બની રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો.
ટ્રસ્ટ દ્વારા સમાજને અપીલ કરવામાં આવી કે
નિર્દોષ પ્રાણીઓની સુરક્ષા, સંરક્ષણ અને સન્માન માટે સૌએ એકજૂટ થઈ આગળ આવવું જોઈએ
