Headlines

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા માનવસેવા પહેલ: ખાટલા વિતરણ કાર્યક્રમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કુલ કિંમત રૂપિયા 1,00,000 રહી હતી.
આ સેવા કાર્ય માટે નિમિષાબેન ભરતભાઈ ઠકરાર (યુકે) તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમ રો. હર્ષિતભાઈ રૂઘાણીના સક્રિય પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સામાજિક આગેવાનો લાખણશીભાઈ ગોરાણીયા, મહાનગરપાલિકાના સફાઈ વિભાગના જગદીશભાઈ ઢાંકી, સફાઈ કર્મચારીઓ, રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ અનિલરાજ સિંઘવી અને સીમા સિંઘવી, ઉપપ્રમુખ હર્ષિતભાઈ રૂઘાણી તથા ચેતનાબેન રૂઘાણી, તેમજ રોટેરીયન્સ અને અન્ય સમાજના આગેવાનો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રોટરી ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ સમાજના પછાત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આવા લોકહિતકારી તથા માનવસેવી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. લાભાર્થી પરિવારોએ આ સહાય બદલ રોટરી ક્લબ ઓફ પોરબંદર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *